Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત

સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહને હેરાત પ્રાંતની હોસ્પિટલમાં લઈ જવાયા

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવારે સ્થાનિક હોસ્પિટલપાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે, સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહને હેરાત પ્રાંતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બધાના મોત ગોળી વાગવાથી થયા હતા.

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા. તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું. જેના કારણે પાછલી સરકાર પડી અને મોટી સંખ્યામાં વિદેશી કામદારો અને અફઘાન સહયોગીઓ દેશ છોડવા લાગ્યા હતા.

રવિવારે થયેલી અથડામણ લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સઈદ ખોસ્તીએ આરોપ લગાવ્યો હતો કે એક ઘરમાં છૂપાયેલા ત્રણ અપહરણકારો પોલીસ દ્વારા ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા. જો કે, પ્રાંતીય તાલિબાન પ્રવક્તાએ આ અંગે અલગ માહિતી આપી હતી. શરૂઆતમાં, કેટલાક સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે તાલિબાન દળોએ ભૂતપૂર્વ અલગ થયેલા જૂથ પર દરોડા પાડ્યા હતા. જે તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટ (IS) માં જોડાયા હતા. 2015માં અફઘાનિસ્તાનમાં ISના ઉદભવથી બે ઉગ્રવાદી જૂથો એકબીજા સામે લડી રહ્યાં છે.

(11:26 am IST)