Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઈંધણના ભાવો વધારી મોદી સરકારે પ્રજાને તકલીફ આપવાનો રેકોર્ડ સર્જી દીધો છેઃ પ્રિયંકા ગાંધી

આરબીઆઈએ કહ્યુ છે કે, પમ્પ ઉપરથી વેચાતા ઈંધણ ઉપર લગાવવામાં આવતો ટેકસ ઓછામાં ઓછો હોવો જોઈએઃ આરબીઆઈની સલાહ મુજબ સરકાર ચાલે તો પ્રજાનું ભલુ થાયઃ ચિદમ્બરમ્

નવી દિલ્હી, તા. ૨૫ :. રવિવારે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતની લોકઉપયોગી ચીજવસ્તુઓના આસમાને આંબેલા ભાવોનો સજ્જડ વિરોધ નોંધાવતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ કે 'ઈંધણના ભાવો વધારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે પ્રજાને હેરાન કરવાનો રેકોર્ડ સર્જી દીધો છે.' કોંગ્રેસ આ મુદ્દે પ્રજાની બાજુમાં ઉભી રહી તા. ૧૪ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન યોજશે તેમ પાર્ટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે જણાવ્યુ હતું.

દેશભરમાં પદયાત્રાઓ કાઢી ૧૪થી ૨૯ નવેમ્બર સુધી પેટ્રોલ, ડીઝલના કમ્મરતોડ ભાવ વધારાનો સખત વિરોધ નોંધાવાશે.

ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૩૫ પૈસાનો ભાવ વધારો રાજધાની દિલ્હીમાં કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે પેટ્રોલ ૧૦૭.૫૯ રૂપીયે લીટર અને ડીઝલ ૯૬.૩૨ રૂપીયે લીટર દિલ્હીમાં મળવા લાગ્યુ છે. આવી જ રીતે મુંબઈમાં ૧૧૩.૪૬ રૂપીયે લીટર પેટ્રોલ અને ડીઝલ ૧૦૪.૩૮ રૂપીયે પહોંચ્યુ છે. રાજ્યદર રાજ્યમાં આ ભાવો સ્થાનિક ટેકસના ફેરફારના કારણે અલગ અલગ રહે છે. ૫ મે ૨૦૨૦થી પેટ્રોલમાં ૩૫.૯૮ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડીઝલમાં ૨૬.૫૮ રૂપિયા પર લીટર વધારો નોંધી લોકોને હેરાન કરવામાં સરકારે કોઈ કસર છોડી નથી.

કોંગ્રેસમાંથી વિરોધ નોંધાવનાર નેતાઓમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ છે. તેમણે ઈંધણના ભાવ વધારાની સાથોસાથ બેરોજગારીનો મુદ્દો પણ હિન્દીમાં ટ્વીટ કરી ઉઠાવ્યો છે.

સિનીયર કોંગ્રેસી લીડર પી. ચિદમ્બરમે જણાવ્યુ છે કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ ઉપરનો વેરો રીઝર્વ બેન્ક દ્વારા અપાયેલી સલાહ મુજબ ઘટાડવો જોઈએ. ભાવ વધારો માત્ર ભાજપ સરકારની અતિલોભની વૃત્તિને આધીન છે. આ કારણોસર જ આરબીઆઈએ કહ્યુ છે કે, પમ્પ ઉપરથી વેચાતા ઈંધણ ઉપર લગાવવામાં આવતો ટેકસ ઓછામાં ઓછો હોવો જોઈએ. આરબીઆઈએ આવુ વારંવાર કહ્યાનું પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(1:31 pm IST)