Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ વેચતો હતો દુકાનદારઃ પોલીસને બંધ કરાવવી પડી દુકાન

લગભગ એક હજાર ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતી

ચેન્નાઇ, તા.૨૫: માર્કેટિંગ એક કળા છે, જેના કારણે વ્યકિત તેના વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરે છે. જો માર્કેટિંગ ટેકનિક યોગ્ય હોય, તો એક નાનો વ્યવસાય પણ એક ક્ષણમાં સફળતાની ઊંચાઈ પર પહોંચી જાય છે. વધુને વધુ પ્રોડકટ વેચવા માટે કરવામાં આવતો સેલ પણ આ માર્કેટિંગનો એક ભાગ છે. વેચાણમાં, ઉત્પાદનની કિંમત દ્યટાડીને તેનું વેચાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ જો આ વ્યૂહરચના તમને પોલીસના ચક્કરમાં ફસાવી દે તો? આવો જ એક કિસ્સો, તમિલનાડુમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કપડાની દુકાનના વેપારીએ ભીડને કારણે પોતાની દુકાન બંધ કરવી પડી હતી.

મળતી માહિતી મુજબ, તમિલનાડુના તિરુચીમાં એક દુકાનદારે પોતાની દુકાનના ઉદઘાટન સમયે આવી ઓફર મૂકી કે, ત્યાં લોકોની ભારે ભીડ થઇ ગઇ. આ પછી એટલો હંગામો થયો કે, પોલીસે આવીને દુકાન બંધ કરાવવી પડી. આ દુકાન ૨૧ નવેમ્બરે ખુલ્લી હતી. અહીં અપાયેલી ઓફર હેઠળ, એક ટી-શર્ટ ૫૦ પૈસામાં વેચવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં દુકાન ખુલવાની સાથે જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વાસ્તવમાં, દુકાન ખોલતા પહેલા જ, જાહેરાત દ્વારા દરેક જગ્યાએ ઓફર જણાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં દુકાનનું શટર ખુલે તે પહેલા જ ત્યાં ભીડ થઇ ગઇ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે ૯ વાગે દુકાન ખુલતાની સાથે જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો ૫૦ પૈસામાં ટી-શર્ટ મેળવવા માટે હોબાળો મચાવવા લાગ્યા હતા. જોતજોતામા એટલી ભીડ થઇ ગઇ કે, લોકો રસ્તા સુધી દુકાનની બહાર કતારમાં ઉભા હતા. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસ બોલાવવી પડી હતી. ભીડને જોતા પોલીસે દુકાન બંધ કરાવી દીધી. દ્યણી ચર્ચા બાદ બપોરે એક વાગ્યે દુકાન ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

દુકાનદારની ઓળખ હકીમ મોહમ્મદ તરીકે થઈ હતી. હકીમે પોતાની દુકાનના પ્રમોશન માટે આ ઓફર રાખી હતી. આ અંતર્ગત લગભગ એક હજાર ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતી. તેમને ૫૦ પૈસામાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં એટલી ભીડ હતી કે, માત્ર સો ટી-શર્ટ જ વેચાઈ શકી. લોકો ત્યાં ૫૦ પૈસાનો સિક્કો લઈને આવ્યા હતા. પરંતુ થોડા કલાકો પછી દુકાન બંધ થઈ ત્યાં સુધીમાં ઓફર પૂરી થઈ ગઈ હતી. લોકો પણ માસ્ક વગર ભીડમાં આવી ગયા. આવી ભીડને કારણે, કોરોનાના ભયને જોતા દુકાન બંધ કરવી પડી હતી.

(2:42 pm IST)