Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

યુપી વિધાનસભા ચૂંટણીમાં સંયુક્ત કિસાન મોરચા ભાજપનો વિરોધ કરશે : રાકેશ ટિકૈતની જાહેરાત

લખીમપુર ખેરી અને કાનપુરમાં 40-45 લાખ જ્યારે આગ્રામાં સરકારે 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું : વળતર આપવામાં સરકારનો ભેદભાવ કેમ ?

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સોમવારે ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કસ્ટડીમાં કથિત રીતે માર્યા ગયેલા અરુણ નરવારના સગાને મળ્યા હતા અને તેમના પરિવારને 40 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની માંગ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સંયુક્ત કિસાન મોરચા ભાજપ (BJP)નો વિરોધ કરશે.

નરવરના પરિવારના સભ્યોને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રાકેશ ટિકૈતે કહ્યું, “રાજ્ય સરકાર વળતર આપવામાં ભેદભાવ કરી રહી છે. તેણે લખીમપુર ખેરી અને કાનપુરમાં 40-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે, જ્યારે આગ્રામાં સરકારે 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. રાજ્ય સરકારે અરુણના પરિવારને પણ 40 લાખ રૂપિયાનું વળતર પણ આપવું જોઈએ. સરકારે ભેદભાવ ન કરવો જોઇએ.”

તેઓએ અરુણના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને તેના મૃત્યુની ન્યાયિક તપાસની પણ માંગ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ અરુણ પર જગદીશપુરા પોલીસ સ્ટેશનના કારખાનામાંથી 25 લાખ રૂપિયાની ચોરી કરવાનો આરોપ હતો. 19 ઓક્ટોબરે પૂછપરછ દરમિયાન તેણે પૈસાની ચોરીની પણ કબૂલાત કરી હતી. તેની પાસેથી 15 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. પરંતુ રિકવરી દરમિયાન તેમની તબિયત લથડી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કૃષિ કાયદાઓને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાકેશ ટિકૈતે કહ્યું હતું, “હું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને ભાજપને મત ન આપવા વિનંતી કરીશ. સંયુક્ત કિસાન મોરચો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરશે.” તેમણે કહ્યું કે તેઓ ન તો પોતાનો ઉમેદવાર ઉભા કરશે અને ન તો કોઈ પાર્ટીને સમર્થન આપશે.

(10:44 pm IST)