Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત :વિવિધ મુદ્દે વડાપ્રધાન સાથે અડધો કલાક ચર્ચા

કુદરતી આફતો પર વળતર અને BSF ના હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન મોદી વચ્ચે આજે મુલાકાત થઈ હતી.બંને વચ્ચેની બેઠક અંદાજીત 30 મિનિટ સુધી ચાલી હતી. જેમાં મમતા બેનર્જીએ કુદરતી આફતો પર વળતર અને રાજ્યમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે જો BSFને વધુ સત્તા મળશે તો તેની અસર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પડશે. આવી સ્થિતિમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે કૂચ બિહારમાં અમે જોયું કે કેવી રીતે BSFએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. BSF સાથે સંબંધિત ઘણી આવી જ ઘટનાઓ ઉત્તર દિનાજપુર અને બંગાળના સરહદી વિસ્તારોમાં બની છે. એટલા માટે મેં પીએમ મોદીને વિનંતી કરી છે કે તેઓ આ મુદ્દા પર ચર્ચા કરે અને રાજ્યના સંઘીય માળખાને કોઈપણ રીતે ખલેલ ન પહોંચાડે તે સુનિશ્ચિત કરે.

મમતા બેનર્જી આજે વડાપ્રધાન મોદીને મળવા પહોંચી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે તેમને હજુ સુધી 96,605 કરોડ રૂપિયા મળ્યા નથી, જે કુદરતી આફતના વળતર તરીકે કેન્દ્ર સરકારને આપવાના હતા. આ સાથે જ મમતા બેનર્જીએ ત્રિપુરામાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે અમારા કાર્યકર શાયની ઘોષને કેવી રીતે ટાર્ગેટ કરવામાં અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

મમતા બેનર્જીએ પીએમ મોદીને પશ્ચિમ બંગાળમાં 20થી 21 એપ્રિલ 2022 દરમિયાન યોજાનારી બિઝનેસ મીટ માટે પણ આમંત્રણ આપ્યું છે. પીએમને મળ્યા પહેલા મમતા બેનર્જીએ સુબ્રમણ્યમ સ્વામી સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે હવે તેમનો દિલ્હીમાં રહેવાનો કોઈ કાર્યક્રમ નથી. તે બુધવારે રવાના થશે. તે 30મી નવેમ્બરે મુંબઈમાં હશે. જ્યાં તેમણે 1લી ડિસેમ્બરે બિઝનેસ ઈવેન્ટમાં હાજરી આપવાના છે. આ દરમિયાન મમતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP નેતા શરદ પવારને પણ મળશે.

જ્યારે મમતા બેનર્જીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'મેં કોઈને મળવા માટે સમય નથી માગ્યો, મેં માત્ર વડાપ્રધાન મોદીને મળવા માટે સમય માંગ્યો હતો. પંજાબની ચૂંટણી આવવાની છે એટલે તેઓ વ્યસ્ત હશે તેમને કામ કરવા દો.

(9:06 pm IST)