Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ટેલિકોમ દુનિયામાં ભારતની તેજગતિએ હરણફાળ : 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી :6Gને લઈ રોડમેપ તૈયાર

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું-2023ના અંત કે 2024ના પ્રારંભે 6G ટેક્નોલોજી લોન્ચ કરાશે: આગામી વર્ષના બીજા ત્રિમાસિક સુધીમાં 5G ટેક્નોલોજીની હરાજી પ્રક્રિયા શરૂ થશે

નવી દિલ્હી : ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે અને સાથે જ મોદી સરકારે 6Gને લઈ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના અનુસંધાને સરકારની આગળની યોજના બતાવી હતી. સાથે જ એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા રહેશે.

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે, ભારત પોતે જ તમામ સોફ્ટવેર બનાવવાનું છે અને બાદમાં સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 6G ટેક્નોલોજી માટે દરેક જરૂરી મંજૂરી અગાઉથી જ આપી દેવાયેલી છે તેવામાં દેશના વૈજ્ઞાનિકો હવે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

6Gનો રોડમેપ તૈયાર છે ત્યારે 5Gને લઈ પહેલેથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આગામી વર્ષના બીજા ત્રિમાસિક સુધીમાં 5G ટેક્નોલોજીની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. તેના અનુસંધાને ટ્રાઈ પાસેથી પણ સૂચનો માગવામાં આવેલા છે જે આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં સરકારને મળી જશે.

(12:14 am IST)