Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ફાંસથી ઇંગ્લેન્ડ જઇ રહેલા પ્રવાસીઓની નાવ પલટી જતાં 20 લોકોનાં કરૂણમોત

માઈગ્રન્ટ્સની બોટ ઉત્તરી બંદર કેલાઈસના કિનારે ડૂબી ગઈ: એક માછીમારે અનેક મૃતદેહોને પાણીમાં તરતા જોયા

ફ્રાંસથી ઈંગ્લેન્ડની ચેનલ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા 20 થી વધુ પ્રવાસીઓ ( સ્થળાતંરીઓ) નાવ પલટી જવાથી મૃત્યુ પામ્યા હતા.ફ્રાંસની પોલીસનું કહેવું છે કે માઈગ્રન્ટ્સની બોટ ઉત્તરી બંદર કેલાઈસના કિનારે ડૂબી ગઈ હતી. એક માછીમારે આ માહિતી આપી હતી કે તેણે અનેક મૃતદેહોને પાણીમાં તરતા જોયા હતા, ત્યારબાદ ફ્રેન્ચ પેટ્રોલિંગ જહાજો ત્યાં પહોંચ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતાં જ ફ્રાંસ ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મેન ઘટના સ્થળે રવાના થઈ ગયા છે . ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક માછીમારે આ ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ એક ફ્રેન્ચ પેટ્રોલિંગને પાણીમાં મૃતદેહો અને બેભાન લોકો મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ અને ત્રણ હેલિકોપ્ટરને કામે લગાડવામાં આવ્યા છે. .

ગેરાલ્ડ ડર્મને પોતાના એક ટ્વિટમાં કહ્યું કે, આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ તસ્કરોનું ગુનાહિત કૃત્ય છે જેઓ તેમને પાર પાડવાનું કામ કરે છે. તેની નિંદા કરીએ તેટલી ઓછી છે.ફ્રાંસના વડાપ્રધાને પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ચેનલમાં બનેલી આ ઘટના દુખદ ઘટના છે. તેમણે કહ્યું કે ગુનાહિત દાણચોરો સ્થળાંતર કરનારાઓના દુઃખ અને તકલીફનો લાભ ઉઠાવે છે. ગુનાહિત હેરફેરનો ભોગ બનેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે મારી સંવેદના.

ફ્રેન્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 31,500થી વધુ લોકોએ બ્રિટન જવાનો પ્રયાસ કર્યો છે અને 7800 લોકોને સમુદ્રમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ઓગસ્ટથી આંકડો બમણો થયો છે. તાજેતરના દિવસોમાં વિક્રમજનક સંખ્યામાં લોકોએ ચેનલ પાર કરી છે, જેના કારણે પેરિસ અને લંડન વચ્ચે તણાવ વધી ગયો છે.

(12:45 am IST)