Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જૈન સાધુએ શ્રાવકના ઘરે મહિલા સભ્યની બર્થડે પાર્ટી ઉજવતાં ચકચાર

જૈન સમાજમાં ઉહાપોહ થતા મહારાજ સાહેબે મિચ્છામિ દુક્કડં કહ્યા

મુંબઈ,તા.૨૫: જૈન સાધુઓનો બર્થડે પાર્ટી મનાવતો વીડિયો વાઈરલ થવાને કારણે જૈન સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. જેને ગુરૂ (ભગવાન)નો દરજ્જો આપવામાં આવ્યો છે એ સાધુઓ જ કેક ખવડાવવાનું કામ કરે તો અન્યોનું શું કહેવું? જૈન ધર્મમાં સાધુવેશ ધારણ કરનારાઓએ કયારે પણ કોઈના સંપર્કમાં આવવું નહીં કે પછી પાર્ટી જેવી મિજબાની કરવી નહીં, તેમ જ કોઈ વ્યવહારમાં પડવું નહીં, આવા સામાન્ય નિયમો તો છે જ. આનાથી ઉપર અનેક નિયમો પણ છે, પણ આજકાલ સાધુભગવંતો નિયમોમાં થોડી છૂટછાટ લેતા હોય છે, પણ બર્થડે પાર્ટી મનાવવાની છૂટ લેનારા સાધુઓને શું કહેવું. જોકે સાધુઓ દ્વારા એક ભકત પરિવારના દ્યરે બર્થડે પાર્ટી મનાવતો વીડિયો વાઈરલ થતાં એ સાધુએ સમાજની માફી માગી છે. તેમણે જૈન સમાજને મિચ્છા મિ દુક્કડં પણ કર્યા હતા.

દિલ્હી ખાતે ચાતુર્માસ પૂરા થયા બાદ શ્રાવકો હંમેશાં ગુરૂ ભગવંતોને પોતાના દ્યરે પગલાં કરવા બોલાવતા હોય છે. આવા જ એક શ્રાવકના ઘરે કુલચંદ્ર (કેસી) મહારાજ સાહેબ અને તેમના ઠાણાને એક પરિવારે ઘરે પગલાં કરવા માટે જણાવ્યું હતું. એ દિવસે પરિવારની એક મહિલા સભ્યનો બર્થડે હતો અને એ બર્થડે સવારના સમયે મહારાજસાહેબની હાજરીમાં ઊજવવા માટેની તૈયારી કરવામાં આવી હતી. ઘરમાં પ્રવેશતાં જ મહારાજસાહેબની સાથે પરિવારજનોએ

બર્થડે ઊજવ્યો હતો અને મહારાજસાહેબ અને તેમના અન્ય ઠાણાઓએ પણ આ બર્થડેને ઉમંગથી ઊજવ્યો હતો.

આખો મામલો જેમના ઘરે બર્થડે ઊજવવામાં આવ્યો હતો તેમના ઘરમાંથી જ કોઈ વ્યકિતએ ફોટા પાડ્યા હતા અને મુંબઈના ગ્રુપમાં મોકલાવતાં બહાર આવ્યો હતો. જોકે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનું જાણ થતાં કેસી મહારાજે ગચ્છાધિપતિને આ અંગે સૂચન આપવા માટે જણાવ્યું હતું. ગચ્છાધિપતિએ કેસી મહારાજને મિચ્છામિ દુક્કડં કરવા માટે જણાવ્યું હતું. ગચ્છાધિપતિના કહેવા પર કેસી મહારાજે મિચ્છા મિ દુક્કડંનો એક પત્ર મોકલાવ્યો હતો અને આખરે મામલો થાળે પાડ્યો હતો. જોકે જૈન સમાજમાં આ મામલે ઘણા લોકોમાં રોષ ફેલાયો હતો.

દિલ્હીના એક પરિવારની મહિલા સભ્યનો બર્થડે કેસી મહારાજ અને અન્ય ઠાણાઓએ ઊજવતાં મુંબઈમાં ચકચાર જાગી હતી. એ અંગે જયારે શ્રી દિલ્હી ગુજરાત કુંથુનાથ ટ્રસ્ટ (સોસાયટી)ના પ્રમુખ રોહિત પારેખનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે 'જે પણ થયું હતું એ એક ભૂલ હતી. સામાન્ય રીતે ચાતુર્માસ પૂરૃં થયા બાદ મહારાજ સાહેબને શ્રાવકો તેમના ઘરે પગલાં પાડવા બોલાવતા હોય છે. ૧૯મી નવેમ્બરે ચાતુર્માસ પૂરૃં થયા બાદ કેસી મહારાજ અને તેમના ઠાણાઓને આસપાસના શ્રાવકોના ઘરે આવવા માટેનું આમંત્રણ મળ્યું હતું. આવા જ એક શ્રાવકના ઘરે પરિવારના એક મહિલા સભ્યનો બર્થડે હતો અને મહારાજ સાહેબે ભાવુકતામાં આવીને બર્થડેને ઊજવ્યો હતો. આખું ચાતુર્માસ રંગેચંગે પાર પડ્યું અને ખૂબ બધી આરાધનાઓ અને અનુષ્ઠાનો થયાં પણ છેવટે નાનકડી ભૂલ થઈ ગઈ. જોકે મહારાજ સાહેબથી થયેલી ભૂલને સુધારી લેવામાં આવી હતી અને તેમણે ગચ્છાધિપતિના કહેવા પ્રમાણે મિચ્છા મિ દુક્કડં કર્યા હતા.

(9:59 am IST)