Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોની હત્યામાં સામેલ TRFના કમાંડર સહિત ૩ આતંકીઓનો સફાયો

અનેક વિરૂધ્ધ અભિયાન

શ્રીનગર, તા.૨૫: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મહત્વની સફળતા સાંપડી છે. શ્રીનગરના રામબાગ ખાતે આજે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જેમાંથી એકની ઓળખ ટીઆરએફના કમાંડર મેહરાન ઢલ્લા તરીકે થઇ છે.

આ આંતકીઓ જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસોમાં કરવામાં આવેલી નાગરિકોની હત્યામાં સામેલ હતા. ઢલ્લા બે શિક્ષકો અને એક કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો. હાલમાં આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સામાન્ય નાગરિકો સહિત અન્ય રાજયોના નાગરિકોની હત્યાના બનાવો સામે આવ્યા હતા. જેમાં આતંકીઓ જાહેરમાં તેમની હત્યા કરી ચૂકયા હતા. જે પછી સુરક્ષા દળોએ પ્રદેશમાં આંતકી વિરોધી અભિયાન શરુ કર્યા હતા.

માર્યા ગયેલા અન્ય એક આતંકીની ઓળખ મંજૂર અહમદ મીર તરીકે થઇ છે, જયારે ત્રીજા આતંકીની ઓળખ મળી નથી. આ આપરેશન અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીરના પોલીસ ડીજીપી દિલબાહ સિંહે જણાવ્યું કે, અથડામણમાં કોઇપણ સામાન્ય નાગરિકને નુકસાન પહોંચ્યુ નથી.

વિતેલા દિવસોમાં અહીં આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ અહીંના લોકોમાં આતંક ફેલાવાનો હતો. આ ઘટનાઓ પછી કેન્દ્ર સરકારે પણ ઉચ્ચસ્તરની બેઠક યોજી રણનીતિ તૈયાર કરી હતી. જે પછી સુરક્ષા દળોએ આતંકી વિરોધી અભિયાન તેજ કર્યા હતા. આ પહેલા શનિવારે પણ કુલગામમાં એક આતંકીને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

(10:24 am IST)