Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ચૂંટણી પંચમાં ટી.એન. શેષાન જેવાની જરૂર

ચૂંટણી પંચના કામકાજથી સુપ્રિમ કોર્ટ ભારે નારાજ : જમીન ઉપરની સ્‍થિતિ ચિંતાજનક હોવાનો દાવો : સુપ્રિમનો કેન્‍દ્રને સવાલ... ૨૦૦૭ બાદ તમામ મુખ્‍ય ચૂંટણી કમીશનરોનો કાર્યકાળ ટુંકો કેમ ? ચૂંટણી પંચના સભ્‍યોની નિમણુકમાં સુધારાની જરૂર છે

નવી દિલ્‍હી તા. ૨૩ :  ચૂંટણી પંચના કામકાજમાં પારદર્શિતાને લઈને સુપ્રીમ કોર્ટ (SC)માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે કેન્‍દ્ર સરકાર સમક્ષ ઘણા મોટા સવાલો ઉભા કર્યા છે.સુપ્રીમ કોર્ટે  કહ્યું કે બંધારણે મુખ્‍ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરના ‘નાજુક ખભા' પર ઘણી જવાબદારી મૂકી છે અને સુપ્રીમ કોર્ટે ટીએન શેષન જેવા મજબૂત પાત્રની વ્‍યક્‍તિને મુખ્‍ય ચૂંટણી કમિશનર તરીકે ઇચ્‍છે છે.

શેષન કેન્‍દ્ર સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ સચિવ હતા અને ૧૨ ડિસેમ્‍બર, ૧૯૯૦ના રોજ મુખ્‍ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્‍ત થયા હતા. તેમનો કાર્યકાળ ૧૧ ડિસેમ્‍બર ૧૯૯૬ સુધી ચાલ્‍યો હતો. ૧૦ નવેમ્‍બર, ૨૦૧૯ ના રોજ તેમનું અવસાન થયું.

સુપ્રીમ કોર્ટે કેન્‍દ્રને પૂછ્‍યું કે ૨૦૦૭થી તમામ મુખ્‍ય ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ કેમ ઓછો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને સવાલ કર્યો કે ૨૦૦૭થી તમામ મુખ્‍ય ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ કેમ ઘટાડવામાં આવ્‍યો? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે યુપીએ અને વર્તમાન સરકારમાં પણ આ જોયું છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્‍ટિસ અજય રસ્‍તોગી, જસ્‍ટિસ અનિરૂદ્ધ બોઝ, જસ્‍ટિસ હૃષિકેશ રોય અને જસ્‍ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે.

બંધારણીય બેંચે કહ્યું કે લોકશાહી એ બંધારણનું મૂળ માળખું છે. તેના પર કોઈ ચર્ચા નથી. અમે સંસદને પણ કંઈ કરવા માટે કહી શકીએ નહીં અને અમે કરીશું નહીં. અમે ફક્‍ત ૧૯૯૦ થી જે મુદ્દા ઉઠાવી રહ્યા છીએ તેના પર કંઈક કરવા માંગીએ છીએ. જમીની સ્‍તરે સ્‍થિતિ ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદે ચૂંટણી પંચ (ECI)ના સભ્‍યોની નિમણૂકમાં સુધારા લાવવાની જરૂર છે. કારણ કે તે ચૂંટણી પંચની કામગીરીને અસર કરે છે. કોર્ટે કહ્યું કે આનાથી ચૂંટણી પંચની સ્‍વતંત્રતા પર પણ અસર પડે છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ૧૯૯૧ના કાયદા હેઠળ મુખ્‍ય ચૂંટણી અધિકારીનો કાર્યકાળ છ વર્ષનો છે. તો પછી તેમનો કાર્યકાળ ટૂંકો કેમ છે?

(12:00 am IST)