Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

માઉન્‍ટ આબુમાં કડકડતી ઠંડીઃ પ્રવાસીઓ ઠુંઠવાયા

ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારોઃ લધુત્તમ તાપમાન ૪ ડિગ્રી ઘટી ગયુ છે

માઉન્‍ટ આબુ,તા. ૨૫ : રાજયમાં હાલ ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્‍ણાતે રાજયમાં ઠંડી અંગે જણાવ્‍યું હતુ કે, ૩૦ નવેમ્‍બર સુધી ગુલાબી ઠંડી રહેશે પરંતુ ડિસેમ્‍બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે તેમ જણાવ્‍યું હતું. રાજયમાં ચૂંટણીના ગરમાવા વચ્‍ચે હજી શિયાળાની કાતિલ ઠંડી નથી અનુભવાઈ રહી છે. પરંતુ હિલ સ્‍ટેશન માઉન્‍ટ આબુમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. મળતી વિગતો પ્રમાણે વાતાવરણમાં ઠંડક સાથે આબુમાં લધુત્તમ તાપમાન ૪ ડિગ્રી ઘટી ગયુ છે. આ સાથે સાથે મહત્તમ તાપમાન ૨૪ પોઇન્‍ટ ૫ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું.

હવે ઠંડીથી બચવા માટે તાપણા કરવાની પણ શરુઆત થઈ ગઈ છે. લોકો કાતીલ ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરતા હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, ગયા શિયાળાની સિઝનમાં માઉન્‍ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૫ ડિગ્રી સેલ્‍સિયસ થઈ ગયું હતું. આ વખતે રાજયમાં ઠંડી સાથે સાથે ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી લોકોને બે ઋતુનો સામનો કરવાનો છે.

આગાહી પ્રમાણે શિયાળાની તિવ્રતા બાદ આગામી દિવસમાં તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવનાઓ છે. જો કે, બીજી તરફ ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો પણ વધી રહ્યો છે. શિયાળાની ઋુતુમાં લોકો પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, શિયાળામાં પ્રવાસ કરવો ખુબ સારો હોય છે. આપને જણાવીએ કે, ગાંધીનગરમાં બુધવારે ૧૨.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતુ. અમદાવાદમાં ૧૫ ડિગ્રી જયારે નલિયામાં ૧૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બુધવારે સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં હતી.

હવામાનનાં આંકડાની વાત કરીએ તો, ગાંધીનગર ૧૨.૭ ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ઠંડુગાર હતુ. અમદાવાદમાં ૧૫.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં આગામી ૩ દિવસ ૧૪ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેવાની શક્‍યતા છે. અમદાવાદમાં પણ ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર વધવાની શક્‍યતા છે. સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.

(10:13 am IST)