Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ઓહોહો... એપલની ૧ સેકન્‍ડની આવક દોઢ લાખ રૂપિયા

વિશ્વમાં માત્ર પાંચ કંપનીઓ છે જે ૧ સેકન્‍ડે કમાય છે ૧ લાખ રૂપિયા કે તેથી વધુ : માઇક્રોસોફટ ૧ સેકન્‍ડમાં કમાય છે ૧.૧૪ લાખથી વધુ રૂપિયા : મેટાની કમાણી રૂા. ૭૫,૪૬૦

નવી દિલ્‍હી તા. ૨૫ : વિશ્વની પાંચ એવી કંપનીઓ છે દર સેકન્‍ડે ૧ લાખ રૂપિયાથી વધારે કમાય છે અને તેમની દિવસભરની કમાણી કરોડો રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, કમાણીના મામલામાં સૌથી આગળ એપલ છે. એપલની એક સેકન્‍ડની આવક ૧.૫ લાખ રૂપિયાથી વધારે છે. જ્‍યારે માઇક્રોસોફટ કંપની દર સેકન્‍ડે ૧.૧ લાખ રૂપિયા કમાય છે.

ટીપલ્‍ટીના તાજેતરના રિસર્ચ અનુસાર, આઇફોનની નિર્માતા કંપની એપલ વિશ્વની સૌથી નફો કરતી કંપની બની ગઇ છે. તે દર સેકન્‍ડે ૧૮૨૦ ડોલર એટલે કે ૧.૪૮ લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે. જ્‍યારે એક દિવસની કમાણીનો આંકડો લગભગ ૧૫૭ મીલીયન ડોલર એટલે કે ૧૨૮૨ કરોડ રૂપિયાથી વધારે છે.

કમાણી બાબતે એપલ પછી બીજા નંબર પર માઇક્રોસોફટ છે, જે પ્રતિ સેકન્‍ડ ૧૪૦૪ ડોલર એટલે કે ૧.૧૪ લાખ રૂપિયા પ્રતિ સેકન્‍ડ કમાય છે. ત્રીજા નંબર પર અબજોપતિ બીઝનેસમેન વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે છે, જે પ્રતિ સેકન્‍ડ ૧૩૪૮ ડોલર એટલે કે ૧.૧૦ લાખ રૂપિયાની કમાણી કરે છે. ચોથા નંબર પર ગૂગલની પેરન્‍ટ કંપની અલ્‍ફાબેટ છે અને તે પ્રતિ સેકન્‍ડ ૧૨૭૭ ડોલર એટલે કે ૧.૦૪ લાખ રૂપિયા કમાય છે. તો ફેસબુકની પેરન્‍ટ કંપની મેટા દર સેકન્‍ડે ૯૨૪ ડોલર એટલે કે ૭૫૪૬૦ રૂપિયાનો નફો કરે છે.

રિસર્ચ અનુસાર, અમેરિકામાં સરેરાશ કર્મચારી પોતાના જીવનકાળ દરમિયાન ૧.૭ મીલીયન ડોલર કમાતો હોવાનો અંદાજ છે, જેનો અર્થ એ થાય કે આ યાદીમાં સામેલ દરેક કંપની એક કલાકમાં જેટલું કમાય છે તેટલું સરેરાશ અમેરિકન નાગરિક પોતાના જીવનકાળમાં કમાતો હોય છે.

(10:44 am IST)