Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

શેરબજારના બે મુખ્ય સુચકાંકો ૫૨ સપ્તાહની ટોચ પર પહોંચ્યા

યુએસ શેરબજારમાં રજાને લીધે સુસ્ત કારોબાર : સેન્સેક્સમાં ૨૧ અને નિફ્ટીમાં ૨૯ પોઈન્ટનો ઊછાળો

મુંબઈ, તા.૨૫ : યુએસ શેરબજારમાં રજાના કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સપાટ રહ્યો હતો. જો કે, સૌથી મોટો મુદ્દો એ હતો કે બંને મુખ્ય સૂચકાંકો આજે ૫૨-સપ્તાહની ટોચે પહોંચ્યા હતા અને તેમની નજીક બંધ થયા હતા. બીએસઈ  સેન્સેક્સ ૨૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકાના ઉછાળા સાથે ૬૨,૨૯૩ પર બંધ થયો હતો અને એનએસઈ  નિફ્ટી ૨૮ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના ઉછાળા સાથે ૧૮,૫૧૨ પર બંધ થયો હતો. શેરબજારમાં આજે કારોબાર ધીમો રહ્યો હતો. નિફ્ટીમાં આજે એફએમસીજી અને ફિન સર્વિસને છોડીને ઓટો આઈટી ફાર્મા મેટલ મીડિયા એનર્જી ઈન્ડેક્સ વધ્યો હતો. ડોલર સામે રૃપિયો સપાટ બંધ રહ્યો હતો.

ઓટો, આઈટી, ફાર્મા, મેટલ, મીડિયા, એનર્જી ઈન્ડેક્સે આજે નિફ્ટીમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે એફએમસીજી અને ફિન સર્વિસ ઈન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું હતું. રિલાયન્સ, વિપ્રો, એક્સિસ બેક્ન, ઇન્ડસઇન્ડ બેક્ન, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, એમએન્ડએમ, ટીસીએસ, એલએન્ડટી, એનટીપીસી, આઈટીસી, પાવર ગ્રીડ, ઇન્ફોસીસ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સેન્સેક્સમાં ઉછાળા સાથે બંધ થયા હતા. નેસ્લે, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએચ ટેક, ટાઈટન, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, એચયુએલ, એસબીઆઈ, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટના શેરો નીચા મથાળે બંધ થયા હતા.

એશિયન બજારોની વાત કરીએ તો શાંઘાઈ સિવાય એશિયાના અન્ય તમામ બજારો આજે ગિરાવટ સાથે બંધ રહ્યા હતા. યુરોપિયન બજારો મામૂલી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. બુધવારે થેંક્સગિવિંગ હોલિડે માટે યુએસ બજારો બંધ રહ્યા હતા.

આજે ડોલર સામે રૃપિયો ૮૧.૭૦ ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે સવારે ડોલર સામે રૃપિયો ૮૧.૬૯ પર ખૂલ્યો હતો, જે પછી તે ૮૧.૫૪ પર પહોંચી ગયો હતો. દિવસના કારોબાર દરમિયાન રૃપિયો આ વધારો જાળવી શક્યો ન હતો અને નીચામાં બંધ રહ્યો હતો.

 

(7:22 pm IST)