Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

લાંબી કારમાં બેસી કર્તવ્યપથ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ:તે કાર નહીં પણ અભેદ સુરક્ષા કવચ

આ કારને બૉમ્બ કે ગોળીથી કોઈ અસર થઈ શકતી નથી:AK 47 અને વિસ્ફોટકો પણ બેઅસર: ટાયરમાં પંચર પડતું જ નથી

નવી દિલ્હી:આજે દિલ્હીમાં કર્તવ્યપથ પર ભારતની સૈન્ય શક્તિ દુનિયાએ જોઈ, પરેડમાં ભારતની સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. પ્રજાસત્તાક દિવસે દેશના રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતાં હોય છે, એવામાં આજે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્યપથ પર સલામી મંચ પાસે પહોંચ્યા ત્યારે તેમની કાર તરફ તમારું પણ ધ્યાન ગયું હશે. ભારતના પ્રથમ નાગરિક માટે ખાસ તૈયાર કરવામાં આવેલ આ કારની જાણો શું છે વિશેષતા.

રાષ્ટ્રપતિ જે લાંબી કારમાં બેસીને પહોંચ્યા તેને સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે, કારનું નામ છે મર્સિડીઝ બેન્ઝ એસ 600 પુલમેન ગાર્ડ લીમોઝિન. તેમની સાથે કારમાં આજના મુખ્ય અતિથિ ઈજિપ્તના રાષ્ટ્રપતિ પણ આવ્યા હતા. આ કારની કિંમત 9 કરોડની છે, જોકે કારની અંદર ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ અલગ મોડીફિકેશન કરવામાં આવ્યા હોય તે નિશ્ચિત છે. આ કારને બૉમ્બ કે ગોળીથી કોઈ અસર થઈ શકતી નથી.

તેના પર વિસ્ફોટકની પણ કોઈ જ અસર થશે નહીં અને અંદર બેઠા વ્યક્તિનો વાળ પણ વાંકો થશે નહીં. 2 મીટરની દૂરીથી 15 કિલો TNT વિસ્ફોટ કરવામાં આવે તો પણ કારને કોઈ નુકસાન થશે નહીં. AK 47ની ફાયરિંગથી પણ કારને અસર થતી નથી. આટલું જ નહીં કારમાં સેલ્ફ-સીલિંગ ફ્યુલ ટેન્ક લગાવવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે કે જો કાર પર હુમલો કરવામાં આવે તો પણ તેનું ઈંધણ લીક થશે નહીં. આ સિવાય ગમે તે પરિસ્થિતિમાં કારના ટાયર પંચર થતાં નથી.

નોંધનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ ભારતની સેનાના ત્રણેય પાંખના સુપ્રીમ કમાન્ડર છે અને બંધારણીય મુખિયા પણ છે, એવામાં તેમની સુરક્ષા દેશ માટે સૌથી મહત્વની છે. આ જ કારણ છે કે તેમના કાફલા તથા તેમની કાર પણ આટલી વિશેષ છે.

(12:59 pm IST)