Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મધ્યપ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે 200 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક નક્કી કર્યોઃ 'પ્લાન-51' તૈયાર

આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પાર્ટી વોટ શેર વધારવા પર પણ ભાર મુકયો છે તેમજ કોંગ્રેસ કરતા લગભગ 10 ટકા વધુ વોટ મળે તેવી આશા વ્‍યકત કરી છે

નવી દિલ્‍હીઃ મધ્યપ્રદેશમાં મંગળવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે 200 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પાર્ટી વોટ શેર વધારવા પર પણ ભાર મુકવા જઈ રહી છે અને કોંગ્રેસ કરતા લગભગ 10 ટકા વધુ વોટ ઈચ્છે છે.

પાર્ટીએ દરેક મતદાન બૂથ પર 51 ટકા વોટ મેળવવાનું લક્ષ્‍ય રાખ્યું છે. હકિકતમાં , ભગવા પાર્ટી 2018ના પરિણામ જેવી સ્થિતિ ઇચ્છતી નથી જે કોંગ્રેસ કરતા થોડા વધુ મતો મેળવીને પણ બહુમતી નથી મેળવી શકતી. મધ્ય પ્રદેશ ભાજપના રાજ્ય પ્રભારી મુરલીધર રાવે કહ્યું, 'વિધાનસભાની ચૂંટણીમાં હવે બહુ દિવસો બાકી નથી. આપણે 200 દિવસમાં 200 બેઠકો જીતવાના લક્ષ્‍યાંક સાથે આગળ વધવાનું છે, જેના માટે સરકાર, સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓની ભાગીદારી ખૂબજ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે 2003, 2008 અને 2013માં જીતની હેટ્રિક ફટકાર્યા બાદ ભાજપને 2018માં પણ 200નો આંકડો પાર કરવાનો વિશ્વાસ હતો. જોકે પરિણામ આવતા જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી કુલ 230માંથી માત્ર 109 સીટો જીતવામાં સફળ રહી હતી. જ્યારે કોંગ્રેસ 114 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. ભાજપ માટે નિરાશા વધુ હતી કારણ કે વોટ શેરની બાબતમાં ભાજપ કોંગ્રેસ કરતા થોડો આગળ હતો, પરંતુ બેઠકો ઓછી પડી હતી. ભાજપને 41.02 ટકા વોટ શેર મળ્યા જ્યારે કોંગ્રેસને 40.89 ટકા વોટ મળ્યા. મુરલીધર રાવે કહ્યું કે 'અબકી બાર 200 પાર' એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તેને હાંસલ કરવાની પ્રતિબદ્ધતા છે. દરેક બૂથ પર બેઠકો યોજવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે 51 ટકા વોટ શેર મેળવવા માટે માઇક્રો પ્લાનિંગ કરવું જોઈએ.

(1:51 pm IST)