Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

હિંડનબર્ગ રિસર્ચે આપ્યો અદાણીને જવાબ : કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર: અહેવાલ પર અડગ

હિંડનબર્ગ રિસર્ચે કહ્યું - જો અદાણી ગંભીર છે તો તેમણે અમેરિકામાં કેસ દાખલ કરવો જોઈએ. દસ્તાવેજોની એક લાંબી લિસ્ટ છે, જેની કાયદાકીય પ્રક્રિયા દરમિયાન અમે ડિમાન્ડ કરીશું.

નવી દિલ્હી : હિડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ અદાણી સમૂહે કાયદાકીય પગલા ભરવાના નિવેદન પછી હિંડનબર્ગ રિસર્ચે કહ્યું છે કે, તેઓ કોઈપણ રીતના કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે અને પોતાના રિપોર્ટ પર અડગ છે.

  તેમને એક નિવેદન રજૂ કરીને કહ્યું, અમારો રિપોર્ટ આવ્યા પછી પાછલા 36 કલાકમાં અદાણીએ એક પણ ગંભીર મુદ્દા પર જવાબ આપ્યો નથી. અમે રિપોર્ટના નિષ્કર્ષમાં 88 સટીક પ્રશ્ન પૂછ્યા હતા, જે અમારા અનુસાર કંપનીને પોતાને નિર્દોષ સાબિત કરવાની તક આપે છે.

અત્યાર સુધી અદાણીએ એક પણ જવાબ આપ્યો નથી. સાથે જ અમને જેવી આશા હતી, અદાણીએ ધમકીનો રસ્તો પસંદ કર્યો. મીડિયાને એક નિવેદનમાં અદાણીએ અમારી 106 પેજની, 32 હજાર શબ્દોની અને 720થી વધારે ઉદાહરણ સાથે બે વર્ષોમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને વગર રિસર્ચની ગણાવી અને કહ્યું કે, તેઓ અમારા વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકા અને ભારતીય કાયદા હેઠળ સંબંધિત જોગવાઇઓનું મૂલ્યાંકન કરી રહ્યાં છે.

જ્યાં સુધી કંપની દ્વારા કાનૂની કાર્યવાહીની ધમકીની વાત છે, તો અમે સ્પષ્ટ કરી દઇએ કે, અમે તેનું સ્વાગત કરીશું. અમે અમારા રિપોર્ટ પર સંપૂર્ણ રીતે કાયમ છીએ.

જો અદારણી ગંભીર છે તો તેમણે અમેરિકામાં કેસ દાખલ કરવો જોઈએ. દસ્તાવેજોની એક લાંબી લિસ્ટ છે, જેની કાયદાકીય પ્રક્રિયા દરમિયાન અમે ડિમાન્ડ કરીશું.

આનાથી પહેલા અદાણી સમૂહે કહ્યું હતુ કે, તેઓ હિંડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ.

અદાણીની તરફથી ગુરૂવારે રજૂ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું, 24 જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા દૂર્ભાગ્યપૂર્ણ અને રિસર્ચ વગરનો રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણકારો પર પ્રતિકૂળ પ્રભાવ નાંખ્યો છે.

રિપોર્ટના કારણે ભારતીય શેર માર્કેટમાં અસ્થિરતા ખુબ જ ચિંતાનો વિષય છે અને આનાથી ભારતીય નાગરિકોને કોઇ કારણ વગર હેરાન કરવામાં આવ્યા છે.

‘સ્પષ્ટ રૂપથી રિપોર્ટ અને આની નિરાધાર સામગ્રીને અદાણી સમૂહની કંપનીઓના શેર મૂલ્યો પર ખુબ જ ખરાબ પ્રભાવ નાંખવા માટે ડિઝાઇન કરવામાં આ્યો હતો, કેમ કે હિંડનબર્ગ રિસર્ચે પોતે માન્યું છે કે, અદાણીના શેરોમાં ઘટાડાથી તેને ફાયદો થશે.’

“રોકાણકારો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા, અદાણી સમૂહ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠા ઓછી કરવા સહિત અદાણીથી એફપીઓ (ફોલો-ઓન પબ્લિગ ઓફરિંગ)ને નુકશાન પહોંચાડવા માટે એક વિદેશી એકમ દ્વારા જાણીજોઇને અને બેદરકારીપૂર્વકની કોશિશથી અમે ખુબ જ ચિંતિત છીએ.”

“અમે હિંડનબર્ગ રિસર્ચ સામે શિક્ષાત્મક પગલાં માટે યુએસ અને ભારતીય કાયદા હેઠળ સંબંધિત જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.”

યુએસ સ્થિત ફાઇનાન્શિયલ ફોરેન્સિક્સ કંપની હિંડનબર્ગ રિસર્ચે આરોપ મૂક્યો છે કે અદાણી જૂથ શેરબજારમાં “ગ્રોસ મેનીપ્યુલેશન” અને “એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમ” માં સામેલ છે.

મંગળવારે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે $218 બિલિયન અદાણી જૂથ “વ્યાપાર ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી” કરી રહ્યું છે.

(10:16 pm IST)