Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

RBIએ ગુનાની ગૃહ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર મુક્યો પ્રતિબંધ : ખાતેદારો 50,000 રૂપિયા સુધી ઉપાડી શકશે

મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન અથવા લોન રિન્યૂ કરી શકશે નહીં

મુંબઈ : રિઝર્વ બેંકે  ગુનાની ગૃહ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર 24 ફેબ્રુઆરીના રોજ કામકાજ બંધ થયા બાદ પ્રતિબંધ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. RBIના આદેશ મુજબ, બેંકનું મેનેજમેન્ટ રિઝર્વ બેંકની લેખિત મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપી શકશે નહીં, નવી લોન આપી શકશે નહીં અથવા લોન રિન્યૂ કરી શકશે નહીં

ગૃહ કોઓપરેટિવ બેંક લિમિટેડ નું મેનેજમેન્ટ કોઈ નવું રોકાણ કરી શકશે નહીં, કોઈપણ પ્રકારની થાપણો લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકના હુકમ સુધી બેંક મેનેજમેન્ટ કોઈપણ સંપત્તિ વેચી શકશે નહીં અથવા ટ્રાન્સફર કરી શકશે નહીં. 24 ફેબ્રુઆરી, 2021 બાદથી બેંક પરના આ પ્રતિબંધો પ્રથમ 6 મહિના માટે અમલમાં રહેશે, જેની સમીક્ષા પણ કરવામાં આવશે.

ગૃહ કોઓપરેટિવ બેંક લિમિટેડ ની હાલની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે પણ થાપણદારો માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે. એટલે કે, તમામ બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ પ્રકારના ખાતામાંથી રૂ .50,000 થી વધુ ઉપાડી શકાશે નહીં. જો કે, રિઝર્વ બેંકે ખાતરી આપી છે કે બેંકના 99.40 ટકા થાપણદારોના નાણાં ડીઆઈસીજીસી વીમા યોજના હેઠળ સંપૂર્ણ સુરક્ષિત છે.

RBIનું કહેવું છે કે અમે ફક્ત તપાસના હેતુથી બેંક પર પ્રતિબંધ લાદ્યો છે. બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી, તેથી ગ્રાહકો નિશ્વિંત રહે છે. તેમના પૈસા બેંકમાં સંપૂર્ણ સલામત છે. જ્યાં સુધી તેની આર્થિક સ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી બેંક આ નિયંત્રણો સાથે કામ કરવાનું ચાલુ રાખશે. રિઝર્વ બેંક જ્યારે સમય આવશે ત્યારે આ પ્રતિબંધોમાં બદલાવ કરશે.

(12:00 am IST)