Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળેલી શંકાસ્પદ કારમાંથી મળ્યો 'પત્રબોંબ' : ધમકીભર્યો પત્રથી પોલીસ તંત્ર સ્તબ્ધ

મુકેશ ભૈયા, નીતા ભાભી, યે તો સિર્ફ ટ્રેલર હૈ...

ધમકીભર્યા પત્રમાં... 'અગલી બાર સામાન પુરા હોકર વાપસ આયેગા ઔર ઇંતજામ પુરા હો ગયા હૈ' જેવા શબ્દોનો પ્રયોગઃ મુકેશ અંબાણીના ઘર બહાર લોખંડી સુરક્ષાઃ તપાસનો ધમધમાટઃ સીસીટીવી ફૂટેજમાં દેખાયો માસ્ક પહેરેલો વ્યકિત

મુંબઇ તા. ૨૬ : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કારમાંથી જપ્ત કરવામાં આવેલા પત્રએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. ગાડીમાંથી મળેલા પત્રમાં એક મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પત્રમાં લખવામાં આવ્યું છે કે 'અગલીબાર સામાન પુરા હોકર વાપસ આયેગા ઔર ઇંતજામ પુરા હો ગયા હૈ' આવો ધમકીભર્યો પત્ર મળતા ખળભળાટ મચી ગયો છે.'

મુકેશ અંબાણીના બંગલાની પાસે ઉભેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મળવાથી જોડાયેલા કેસમાં પ્રથમ પુરાવો મળી ગયો છે. મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ જે વ્યકિતએ કાર પાર્ક કરી હતી. તે સીસીટીવી ફુટેજ જોવા મળ્યો છે. જો કે તેને માસ્ક પહેર્યું હતું અને માથાને ઢાંકીને રાખ્યું હતું. તેના કારણે ઓળખ થઇ શકી નથી. પોલીસના જણાવ્યા મુજબ જે કારમાંથી જિલેટીન જપ્ત કરવામાં આવ્યું. તેને મુંબઇના વક્રોલી વિસ્તારમાંથી ચોરવામાં આવી હતી. ગાડીનો નંબર લગાડી દેવામાં આવ્યો હતો તેમ છતાં પોલીસ તેના અસલી માલીક સુધી પહોંચવામાં સફળ રહી હતી. માલિકની ખબર પડી છે. આ કાર મુંબઇમાં કયાંથી પસાર થઇ છે તેની માહિતી પણ એકત્રીત કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકોથી ભરેલી જે અજ્ઞાત કાર મળી હતી, તે ચોરીની હતી. કારની અંદરથી એક બેગ મળી, જેના પર 'મુંબઇ ઈન્ડિયન્સ' લખેલું હતું. એક ચિઠ્ઠી પણ મળી છે, જેમાં અંબાણીને ધમકી આપવામાં આવી હતી. તૂટેલા-ફૂટેલા અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં મુકેશ અને નીતા અંબાણીનો ઉલ્લેખ કરાયેલો છે.

 આ પત્રમાં વિસ્ફોટકોને પ્લાન્ટ કરવાની વાતને 'ટ્રેલર' તરીકે દર્શાવાયું છે અને બાદમાં સમગ્ર પરિવારની હત્યા માટે વધારે તૈયારીઓ સાથે પાછા ફરશે તેવી ધમકી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દેશના સૌથી ધનિક બિઝનેસમેનના ઘરની બહાર વિસ્ફોટકો મળી આવતા મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ અનુસાર, મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ ઉપરાંત ગુપ્ત એજન્સીઓ પણ આ કૃત્ય પાછળ કોણ છે તેની તપાસમાં લાગી રહી છે. મુંબઈના તમામ ચેકપોસ્ટ એલર્ટ પર છે અને અહીંથી પસાર થતી કારોની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્કવોડ અજ્ઞાત કારને પોતાના કબજામાં લઈ લીધી છે. મુકેશ અંબાણીના રેસિડન્સ આસપાસના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. કાર પર જે નંબર પ્લેટ લાગેલી હતી, તેનો નંબર અંબાણીના ઘરમાં ઉપયોગ થઈ રહેલી કાર સાથે મળતો હોવાનું કહેવાઈ રહ્યું છે. અંબાણીના સુરક્ષાકર્મીઓને આ કારણે જ શંકા ગઈ, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર ગઇકાલે રાત્રે શંકાસ્પદ ગાડી અને તેમાં રખાયેલ વિસ્ફોટક પદાર્થ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે મુકેશ અંબાણીના ઘર એટલે કે એન્ટીલીયાની બહાર સુરક્ષા વધુ કડક કરી દીધી છે અને મુંબઇ ક્રાંઇમ બ્રાંચને તપાસ સોંપી છે. પોલીસ સીસીટીવી ફુટેજ તપાસી રહેલ છે.

મુંબઇ પોલીસના પ્રવકતા ડીસીપી એસ.ચૈતન્યએ કહ્યું કે, જપ્ત કરવામાં આવેલી જિલેટીન ખૂબ જ ખતરનાક છે. તેની તપાસ સંપૂર્ણ રીતે કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ, મુંબઇ પોલીસ આયુકત પરમવીરસિંહ, ગૃહ અને ખુફિયા વિભાગના શીર્ષ અધિકારી આ તપાસ કરી રહ્યા છે.

(3:05 pm IST)