Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કંપની સેક્રેટરી એકઝીકયુટીવ અને પ્રોફેશ્નલ અભ્યાસક્રમનું પરિણામ જાહેરઃ વેબસાઈટ ઉપર મૂકાયુ

જયપુરનો તન્મય અગરવાલ એકઝીકયુટીવમાં પ્રથમ અને સુદર્શનકુમાર મહર્ષિ પ્રોફેશ્નલમાં પ્રથમ

રાજકોટ, તા. ૨૬ :. ધી ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડીયા દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં લેવાયેલ એકઝીકયુટીવ પ્રોગ્રામ (ઓલ્ડ અને ન્યુ સિલેબસ) અને પ્રોફેશનલ પ્રોગ્રામ (ઓલ્ડ અને ન્યુ સિલેબસ)ની પરીક્ષાના પરિણામો નવી દિલ્હી ખાતે જાહેર કરવામાં આવ્યા છે. આને સંબંધિત તમામ માહિતી માટે ઈન્સ્ટીટયુટના બધા રીજીયોનલ અને ચેપ્ટર ઓફીસીઝમાં પરિણામો પ્રકાશિત કરવામાં આવેલ છે. આ સાથે પરિણામોની વિષયવાર માહિતી ઈન્સ્ટીટયુટની વેબસાઈટ www.icsi.edu પર આપવામાં આવેલ છે, તથા આઈસીએસઆઈ એ એકઝીકયુટીવ પ્રોગ્રામના ઉમેદવારોને e-result-cum-marks statement ડાઉનલોડ કરવાની સુવિધા આપી છે.

એકઝીકયુટીવ પ્રોગ્રામ (ઓલ્ડ સિલેબસ) પરીક્ષામાં મોડયુલ-૧માં ૧૫.૨૧ ટકા ઉમેદવારો તથા મોડયુલ-૨માં ૨૧.૨૮ ટકા ઉમેદવારો ઉતિર્ણ થયા છે. જ્યારે એકઝીકયુટીવ પ્રોગ્રામ (ન્યુ સિલેબસ) પરીક્ષામાં મોડયુલ-૧માં ૮.૨૭ ટકા ઉમેદવારો તથા મોડયુલ-૨માં ૧૫.૪૯ ટકા ઉમેદવારો ઉતિર્ણ થયા છે.

પ્રોફેશનલ પ્રોગ્રામ (ઓલ્ડ સિલેબસ) પરીક્ષામાં મોડયુલ-૧માં ૨૭.૮૮ ટકા ઉમેદવારો, મોડયુલ-૨માં ૨૮.૨૬ ટકા ઉમેદવારો અને મોડયુલ-૩માં ૩૩.૩૭ ટકા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. પ્રોફેશનલ પ્રોગ્રામ (ન્યુ સિલેબસ) પરીક્ષામાં મોડયુલ-૧માં ૧૯.૩૯ ટકા ઉમેદવારો તથા મોડયુલ-૨માં ૧૭.૮૧ ટકા ઉમેદવારો અને મોડયુલ-૩માં ૩૪.૫૨ ટકા ઉમેદવારો ઉર્તીણ થયા છે.

જયપુર પરીક્ષા કેન્દ્રના તન્મય અગરવાલ એ એકઝીકયુટીવ પ્રોગ્રામ (ઓલ્ડ સિલેબસ) પરીક્ષામાં ઓલ ઈન્ડીયા પ્રથમ ક્રમ મેળવ્યો છે તથા ઈન્દોરના આકાંક્ષા ગુપ્તાએ એકઝીકયુટીવ પ્રોગ્રામ (ન્યુ સિલેબસ) પરીક્ષામાં ઓલ ઈન્ડીયા પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ઔરંગાબાદ પરીક્ષા કેન્દ્રના સુદર્શનકુમાર વિજયકુમાર મહર્ષિ એ પ્રોફેશનલ પ્રોગ્રામ (ઓલ્ડ સિલેબસ)ની પરીક્ષામાં ઓલ ઈન્ડીયા પ્રથમ ક્રમ મેળવ્યો છે તથા વાપી પરીક્ષા કેન્દ્રના તાન્યા પ્રદીપ ગ્રોવર એ પ્રોફેશનલ પ્રોગ્રામ (ન્યુ સિલેબસ)ની પરીક્ષામાં ઓલ ઈન્ડીયા પ્રથમ ક્રમ મેળવ્યો છે.

કંપની સેક્રેટરીઝ એકઝીકયુટીવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામની આગામી પરીક્ષા મંગળવાર, જૂન ૧-૨૦૨૧થી ગુરૂવાર, ૧૦ જૂન ૨૦૨૧માં યોજાશે. પરીક્ષાનું ફોર્મ (રજીસ્ટ્રેશન) ભરવા માટેની છેલ્લી તારીખ ૨૫ માર્ચ, ૨૦૨૧ છે.

(3:19 pm IST)