Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું આજે એલાન

ચૂંટણીપંચ સાંજે પત્રકાર પરીષદ યોજશે

નવી દિલ્હી તા. ૨૬ :પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની તારીખો પર આજે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, તમિલનાડુ, કેરળ પુડુચેરી આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ શુક્રવારે ૪.૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.ચૂંટણી પંચ અનુસાર તમિલનાડુમાં ૨૪ મે, પશ્ચિમ બંગાળમાં ૩૦ મે, આસામમાં ૩૧ મે, પુડુચેરીમાં ૮ જૂન અને કેરળમાં ૧ જૂન ૨૦૨૧ના રોજ સરકારનો કાર્યકાળ ખતમ થવા જઈ રહ્યો છે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. તેની સાથે જ કેરળમાં પિનરાઇ વિજયનની આગેવાનીમાં લેફટ ડેમોક્રેટીક ફ્રન્ટની સરકાર છે. બીજી તરફ આસામમાં સર્વાનંદ સોનોવાલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.તમિલનાડુમાં ઈ. પલાનસ્વામીના નેતૃત્વમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)ની સરકાર છે.

ખાસ બાબત એ છે કે પુડુચેરીમાં નારાયણસામીની આગવાનીમાં કોંગ્રેસની સરકાર હતી જે થોડા દિવસ પહેલા લઘુમતીમાં આવી ગઈ હતી. જેના કારણે નારાયણસામીને રાજીનામું આપી દેવું પડ્યું હતું. હાલ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. નોંધનીય છે કે, તમિલનાડુમાં ૨૩૪, પશ્યિમ બંગાળમાં ૨૯૪, આસામમાં ૧૨૬, પુડુચેરીમાં ૩૦ અને કેરળમાં ૧૪૦ સીટો પર ચૂંટણી યોજાશે.

આ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પૈકી સૌથી વધુ હાઇ-વોલ્ટેજ ડ્રામા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રહેવાનો છે, કારણ કે અહીં બીજેપીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની સત્તાને પડકારી છે. TMCએ બીજેપીને બાહરીનું લેબલ આપ્યું છે. બીજી તરફ બીજેપી પોતાને સ્થાપિત કરવાના પ્રયાસોની વચ્ચે સતત મમતા પર આક્ષેપો કરી રહ્યું છે. બીજી તરફ TMCના અનેક નેતાઓની વિરૂદ્ઘ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ચાલી રહી છે.

(4:00 pm IST)