Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

હવે જીવન જરૂરિયાતના તેલના ભાવ પણ આસમાને

રાંધણ ગેસ અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો બાદ : સીંગતેલના ભાવમા રૂ. ૭૫ વધારા સાથે ૨૫૫૦ પર પહોંચ્યો : કપાસિયા તેલમાં રૂ. ૧૦૦ના વધારા સાથે ૧૯૦૦થી ૨૦૦૦ પર પહોંચ્યો : પામ તેલમા રૂ.૧૦૦ના વધારા સાથે ૧૮૯૦ રૂપિયા પહોંચ્યો

નવી દિલ્હી, તા.૨૬: સામાન્ય જનતાને જીવવા માટે ખરેખર કપરા ચઢાણો ચડવા પડી રહ્યા છે ત્યારે રાંધણ ગેસ, પેટ્રોલ ડિઝલના ભાવ બાદ હવે તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલના ભાવમા ૭૫ રૂપિયાના વધારા સાથે ૨૫૫૦ પર પહોંચી ગયો છે. કપાસિયા તેલમાં પણ  રૂ. ૧૦૦ના વધારો થયો છે. એટલે કપાસિયા તેલનો બાવ ૧૯૦૦થી ૨૦૦૦ પર પહોંચ્યો છે જયારે પામ તેલમા ૧૦૦નો વધારા સાથે ૧૮૯૦ રૂપિયા પહોંચ્યો છે.

દરેક દેશવાસીને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવથી દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. દેશના અનેક રાજયોમાં હાલ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા લીટરે પહોંચી ગયા છે. જે રાજયોમાં વેટ અને સેસની ટકાવારી વધારે છે ત્યાં આ કિંમત હવે ન્યૂ નોર્મલ થઈ શકે છે. તો કેન્દ્રએ પહેલા જ એકસાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેથી જો ભાવમાં ઘટાડો ન થાય કે તેલ ઉત્પાદક દેશો એપ્રિલથી ઉત્પાદનમાં ભારે વધારો નથી કરતા તો ગ્રાહકોને દૂર દૂર સુધી કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી.

(4:01 pm IST)