Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

નડિયાદના અનાથાશ્રમમાં ઉછરી રહેલા 2 વર્ષીય બાળકના નસીબ આડેનું પાંદડું ખસ્યું : અમેરિકામા વસતા ગુજરાતના વતની NRI દંપતીએ બાળકને દત્તક લીધું

નડિયાદ : નડિયાદના અનાથાશ્રમમાં ઉછરી રહેલા 2 વર્ષીય બાળકના નસીબ આડેનું પાંદડું ખસ્યું હોવાનું જાણવા મળે છે.જે મુજબ અમેરિકામા વસતા ગુજરાતના વતની  દંપતીએ આ બાળકને દત્તક લીધું છે.

દત્તક લેનાર દંપતી મુળ વડોદરાના સોખડાના વતની છે.જેમણે બે વર્ષના બાળકને દત્તક લેતા અનાથાશ્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.હવે  બાળકને માતાપિતાનો પ્રેમ નશીબ થયો છે. જેને  NRI દંપતીએ દત્તક લેતાં સૌની આંખોમાં હરખના આસું સરી પડ્યા હતા. મુળ વડોદરા જિલ્લાના સોખડાના વતની શ્રી  નિલેશભાઈ પટેલ અને તેમની પત્ની સુશ્રી  જીનલબેને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાંથી એક બાળકને દત્તક લીધું છે. આ દંપતી હાલ યુ.એસ.એ રહે છે.

આજ  શુક્રવારનો દિવસ આ દંપતી માટે ખુશીનો દિવસ બન્યો છે. કારણકે આ દિવસે તેમણે એક સંતાનનો પ્રેમ મેળવ્યો છે, તો બીજી તરફ બાળકને પણ માતા-પિતાનો પ્રેમ મળ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કાનૂની સત્તા મંડળ, નડિયાદના સેક્રેટરી આર. એલ. ત્રિવેદી, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશભાઈ રાવના હસ્તે આ બાળકને એન. આર. આઈ. દંપતીને અપાયું છે. આ પહેલા NRI દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદનો સ્ટાફ, બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેન્દ્રપ્રસાદ , બિનિતાબેન, આશ્રમના ડિરેક્ટર સી. મીના મેકવાન, આધિક્ષક સંદિપભાઈ પરમાર, સોશ્યલ વર્કર સી. શીતલ પરમાર ખાસ હજાર રહ્યા હતા.

 ઉલ્લેખનીય છે કે આ સંસ્થા 40 વર્ષ જૂની છે અને તે અનાથ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે. અત્યાર સુધી આ સંસ્થામાંથી આશરે 300થી વધુ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે અને માતા-પિતાના પ્રેમની હૂંફ મળી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)