Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કતારમાં ફિફા વર્લ્ડ કપની તૈયારી વચ્ચે 6500 મજૂરોએ જીવ ગુમાવ્યો : મૃતકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ

કતારમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ 28 લાખ પ્રવાસી મજુરોએ 7 નવા ફૂટબોલ સ્ટેડિયમ બનાવ્યા

દોહા : ફિફા વર્લ્ડ કપ 2022નાં યજમાન દેશ  કતારની તૈયારી દરમિયાન છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા 6500 વિદેશી કામદારો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા કામદારોમાં સૌથી વધુ સંખ્યા ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનાં છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2010માં, જ્યારે કતારને 22માં ફિફા વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો, ત્યારથી દર અઠવાડિયે આ દેશોના લગભગ 12 લોકોનાં મોત થયા છે.

ગાર્ડિયને કતારના સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે આ લોકોનું મોત ફૂટબોલ વર્લ્ડ કપ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી થયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસી મજૂરોનાં મોતની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. કારણ કે, આ આંકડામાં ફિલીપાઇન્સ અને કેન્યા સહિતના ઘણા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યાંથી લાખો લોકો કતારમાં કામ કરે છે.

   કતારમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ 28 લાખ પ્રવાસી મજુરોએ 7 નવા ફૂટબોલ સ્ટેડિયમ બનાવ્યા છે. 2022નાં ઉનાળામાં યોજાનારા વિશ્વના સૌથી લોકપ્રિય રમતનાં પ્રેમીઓને સ્વર્ગિય અનુભુતી થાય તે માટે એક નવું મેટ્રો, એરપોર્ટ, મોટર વે એટલું જ નહીં એક નવું શહેર વસાવવામાં આવ્યું છે. કતારમાં લગભગ 20 લાખ પ્રવાસી મજૂરો કામ કરે છે, જેમાંથી મોટાભાગના દક્ષિણ એશિયા, આફ્રિકા અને પૂર્વ એશિયાના છે.

   ગલ્ફ દેશોમાં મજૂર અધિકારો માટે કામ કરતા ફેયરસ્કેયર પ્રોજેક્ટ્સનાં ડિરેક્ટર નિક મૈકગિહાને કહ્યું કે બાંધકામના કામમાં મજૂરોના મોતને તેમના કામ મુજબ વહેંચવામાં આવ્યું નથી, છતાં સંભવ છે કે મોટા ભાગના કામદારોનું મોત વર્લ્ડ કપ સ્ટેડિયમનાં નિર્માણ વખતે થયું છે. તેમણે કહ્યું કે, 2011 થી, કતારમાં મોટી સંખ્યામાં વિદેશી મજૂરો મૃત્યુ પામ્યા છે.

(11:20 pm IST)