Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમેરિકા કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતને મદદ કરશે

અમે જલદી વધુ સપ્લાય-સપોર્ટ જારી કરીશું : યુએસ : ભારતને સતત મદદ માટે આનાકાની કર્યા બાદ ચારેબાજુથી ભીંસ વધી જતા હવે અમેરિકાના તેવર નરમ પડ્યા છે

વોશિંગ્ટન, તા. ૨૫ : ભારતને સતત મદદ માટે આનાકાની કર્યા બાદ ચારેબાજુથી ભીંસ વધતા હવે અમેરિકાના તેવર નરમ પડ્યા છે. અમેરિકાએ કોરોના મહામારીને પહોંચી વળવા માટે ભારત તરફ મદદનો હાથ લાંબો કર્યો છે. અમેરિકાના બે મોટા નેતાઓએ નિવેદન બહાર પાડીને કહ્યું કે આ સંકટમાંથી બહાર કાઢવા માટે તેમનો દેશ ભારતને મદદ કરશે. અમે ભારતીય જનતા સાથે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીન્કેને કહ્યું કે 'કોરોના મહામારીના આ ભયાનક સમયમાં અમે ભારતીય જનતાની સાથે છીએ. આ સંકટને પહોંચી વળવા માટે અમે ભારત સરકારના અમારા પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે જલદી ભારતીય જનતા અને હેલ્થ કેર હીરોઝ માટે એડિશનલ સપોર્ટ જાહેર કરીશું.'

ભારતને જલદી સપ્લાય મોકલીશું

આ બાજુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાને કહ્યું કે 'ભારતમાં કોરોના મહામારીના પ્રકોપથી અમેરિકા ખુબ ચિંતિત છે. આ લડતમાં અમારા ભારતીય પાર્ટનર બહાદુરીથી લડી શકે, તે માટે અમે જલદી વધુ સપ્લાય-સપોર્ટ જારી કરીશું. આ બહુ જલદી થશે.'

પહેલા અમેરિકાએ ના પાડી હતી

અત્રે જણાવવાનું કે આ અગાઉ અમેરિકાએ પહેલા કોરોના રસી બનાવવાના કામમાં જરૂરી કાચા માલને ભારત મોકલવાની ના પાડી હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ટ્વીટ કરીને કાચો માલ આપવામાં મદદ માંગી હતી. જેના પર શરૂઆતમાં તો અમેરિકાએ આનાકાની કરી. ત્યારબાદ અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે તેમની પહેલી પ્રાથમિકતા અમેરિકનો છે. આવામાં તેઓ કોઈ બહારના દેશને મદદ કરવાની સ્થિતિમાં નથી.

(12:00 am IST)