Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેશના ટોચના ડોકટરોની સલાહ

ઓકિસજન લેવલ વધારવા અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ કરો

એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા અને મેદાંતા મેડિસિટી હોસ્પિટલના ચેરમેન ડો. નરેશ ત્રેહને ઓકિસજન લેવલ વધારવા માટે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી

નવી દિલ્હી, તા.૨૬: કોરોના મહામારી વચ્ચે દેશભરમાં ઓકિસજન સિલિન્ડરની અછત ઊભી થઈ ગઈ છે. જરૂરિયાતમંદોને સમયસર મેડિકલ ઓકિસજન નથી મળી રહ્યો. ત્યારે દેશના ટોચના ડોકટરોએ ઓકિસજનને લઈને જરૂરી સૂચનો અને ટિપ્સ આપી છે, જે લોકોના મનમાં ઊભા થયેલા ભયને દૂર કરી દેશે. આ ડોકટરોનું કહેવું છે કે, ઓકિસજન લેવલ ઘટી રહ્યું હોય તો અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ કરો.

એમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા, મેદાંતા મેડિસિટી હોસ્પિટલના ચેરમેન ડો. નરેશ ત્રેહન, એમ્સમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડો. નવનીત વિગ અને ભારતમાં હેલ્થ સર્વિસીઝના ડાયરેકટર જનરલ ડો. સુનીલ કુમારે રવિવારે કોરોના સંક્રમણ, સારવાર, ઓકિસજનની જરૂરિતાય પર વિસ્તારપૂર્વક સમજાવ્યું. જો કોરોના પોઝિટિવ થઈ ગયા હોવ તો શું કરવું જોઈએ? ઓકિસજન લેવલ કઈ રીતે વધી શકે છે? મેડિકલ ઓકિસજનની કયારે જરૂર પડે છે? કઈ રીતે તણાવને ઓછો કરી શકાય? આ બધા સવાલોના તેમણ જવાબ આપ્યા.

યોગથી ઓકિસજન લેવલ કાબુમાં રહેવાની અને ફેફસા મજબૂત થતા હોવાની વાતો તો ઘણી થતી રહી છે. યોગગુરુ અને યોગના શિક્ષકો એ વાત કહેતા આવ્યા છે, પણ હવે ડો. નરેશ ત્રેહન જેવા દિગ્ગજોએ પણ તેના પર મહોર લગાવી દીધી છે. ડો. ત્રેહને કહ્યું કે, આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવતાની સાથે જ લોકલ ડોકટરનો સંપર્ક કરો. તેનાથી ૯૦ ટકા લોકો દ્યરે જ સાજા થઈ જશે. અનુલોમ-વિલોમ, પ્રાણાયામથી દર્દીઓને દ્યણો ફાયદો થાય છે, કેમકે લાંબા શ્વાસ લઈને રોકવાથી ફેફસામાં ઓકિસજનની વધુ માત્રા પહોંચે છે. તેનાથી ફેફસા મજબૂત થાય છે.

એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ પણ જણાવ્યું કે, ઊંડા શ્વાસ લેવાની કસરતથી ફાયદો મળશે. તેમણે ઓકિસજનને લઈને ભ્રમને પણ દૂર કર્યો. ડોકટર ગુલેરિયાએ કહ્યું કે, '... ઘણા લોકો એ સમજે છે કે ગઈકાલે મારું ઓકિસજન સેચુરેશન ૯૮ હતું અને આજે ૯૭ થઈ ગયું, તેનો અર્થ છે કે, ઓકિસજન લેવલ ઘટવા લાગ્યો છે. એટલે, ઓકિસજન લગાવવાની સ્થિતિ આવી ગઈ છે. તમારે સમજવું જોઈએ કે, જો તમારું ઓકિસજન સેચુરેશન ૯૪,૯૫,૯૭ છે તો ઓકિસજન લગાવવાની કોઈ જરૂર નથી. જો તમને લાગે કે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, છાતીમાં ઈન્ફેકશન છે, તો ઊંડો શ્વાસ લેવાની કસરત કરો. પેટ પર ઊંઘશો તો પણ તમારું સેચુરેશન વધી જશે.'

ડો. ગુલેરિયાએ કહ્યું કે, ૧૦ થી ૧૫ ટકા કોરોના દર્દીને જ ઓકિસજન અને રેમેડેસિવિયરની જરૂર પડે છે. તેમણે કહ્યું કે, મોટાભાગના મામલામાં કોરોના એક સામાન્ય સંક્રમણ છે. ૯૦ થી ૯૫ ટકા લોકોમાં શરદી, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો જેવા લક્ષણ જોવા મળે છે. તેમને ઓકિસજનની જરૂર નથી પડતી કે રેમડેસિવિયરની પણ જરૂર નથી પડતી કે વધુ દવાઓની પણ જરૂર નથી પડતી. તેમણે કહ્યું કે, સામાન્ય લક્ષણો હોય તો દેશી નુસ્ખા અપનાવો, નાસ લો, યોગ કરો. તેનાથી જ સાજા થઈ જવાશે. તેમણે કહ્યું કે, ઘરમાં ઓકિસજન રાખવાની કે રેમડેસિવિયર રાખવાની જરૂર નથી. તમે સરળતાથી ૮-૧૦ દિવસમાં સાજા થઈ જશો.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, ૧૦ થી ૧૫ ટકા દર્દીઓમાં જ ગંભીર સંક્રમણ હોઈ શકે છે. તેમને ઓકિસજનની સાથે દવાઓની જરૂર પડી શકે છે. જેમાં સ્ટ્રોઈડ્સ છે, રેમડેસિવિયર પણ છે. કયારકે-કયારેક પ્લાઝમા પણ આપવામાં આવે છે. ૫ ટકા દર્દી એવા હોય છે, જેમને વધુ પાવરની દવા આપવાની જરૂર પડે છે કે પછી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડે છે.

તેમણે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, રેમડેસિવયરથી દર્દીઓનો જીવ બચે છે તેવું કોઈ પ્રમાણ નથી કે હોસ્પિટલમાં એડમિટ રહેવાનો સમય દ્યટે છે તેવું પણ નથી. તેમણે કહ્યું કે, અમેરિકાની એક સ્ટડીમાં કહેવાયું છે કે, મોડરેટ કે સિવિયર એટલે કે મધ્યમથી ગંભીર સંક્રમણના દર્દીઓને રેમડેસિવિયર આપો તો તેમને હોસ્પિટલથી જલદી છૂટકારો મળી શકે છે. ધ્યાન રહે કે માઈલ્ડ એટલે કે સામાન્ય સંક્રમણમાં તેની જરૂર નથી.

(10:10 am IST)