Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ચુંટણી પંચને કારણે કોરોનાનો વિસ્‍ફોટઃ ઓફીસરો સામે મર્ડરનો કેસ થાય

કોરોના સંક્રમણના પ્રસાર માટે ચુંટણી પંચને જવાબદાર ઠેરવતા મદ્રાસ હાઇકોર્ટે આકરી ટીપ્‍પણી કરી : કોરોનાનો કહેર છતા રાજકીય પક્ષોને સભાઓ કરવા દીધીઃ શું ચુંટણી પંચ બીજા ગ્રહ ઉપર હતું?: રાજકીય પક્ષોએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો છતા ચુંટણી પંચ મૌન રહયું: કોઇ પગલા ન લીધા

ચેન્નાઇ, તા., ૨૬: દેશમાં  કોરોના વાયરસની બીજી લહેરે કાળો કેર મચાવ્‍યો છે ત્‍યારે આજે મદ્રાસ હાઇકોર્ટે સંક્રમણના પ્રસાર માટે ચુંટણી પંચને જવાબદાર ઠેરવી ભારે તડાપીટ બોલાવી હતી.  હાઇકોર્ટે આજે જણાવ્‍યું હતું કે બીજી લહેર માટે જો કોઇ એકને જવાબદાર ઠેરવવાના હોય તો એકલા ચુંટણી પંચને જવાબદાર ઠેરવી શકાય. કોર્ટે કહયું હતું કે, એ જાણતા હોવા છતા કે કોરોના સંક્રમણ હજુ ચાલુ છે છતાં ચુંટણી સભાઓ, રેલીઓ ઉપર કોઇ પ્રતિબંધ ન મુકયો. આ માટે ચુંટણી પંચના અધિકારીઓ ઉપર હત્‍યાનો મામલો ચલાવવો જોઇએ. સાથોસાથ ચુંટણી પંચને એવું પણ કહયું હતું કે બીજી મે  એટલે કે ચુંટણી ગણતરીની તૈયારીઓ પહેલીથી જણાવી દયે નહિતર મતગણતરી અટકાવી દેવાશે.

આજે કોરોના મામલે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. જે દરમિયાન મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ એસ.બેનરજીએ સુનાવણી દરમિયાન કહયું કે ચુંટણી પંચ જ કોરોનાની બીજી વેવ માટે જવાબદાર છે. કોર્ટે કહયું હતું કે, ચુંટણી પંચના અધિકારીઓ પર મર્ડરનો ચાર્જ લગાવવામાં આવશે તો ખોટુ નહિ થાય.

અદાલતમાં જયારે ચુંટણી પંચે જવાબ આપ્‍યો કે અમારા તરફથી કોવીડ ગાઇડ લાઇન્‍સનું પાલન કરવામાં આવ્‍યું હતું, મતદાનના દિવસે નિયમોનું પાલન થયું હતું. તો એ બાબતે અદાલત નારાજ થઇ હતી અને પુછયુ હતું કે જયારે ચુંટણી પ્રચાર થઇ રહયો હતો ત્‍યારે શું ચુંટણી પંચ બીજા ગ્રહ પર હતું?

અદાલતે આ સાથે ચેતવણી આપી હતી કે જો બીજી મે માટે કોઇ ગાઇડ લાઇન્‍સનું પાલન નહિ થાય અથવા બ્‍લુ પ્રિન્‍ટ તૈયાર નહિ થાય તો અમે મત ગણતરી રોકી દેશું.

અદાલતે સુનાવણી દરમિયાન કહયું હતું કે, સ્‍વાસ્‍થ્‍ય મામલો ઘણો મહત્‍વનો છે પરંતુ ચિંતાની વાત એ છે કે અદાલતને એ યાદ અપાવવું પડે છે કે સ્‍થિતિ ગંભીર છે. હાલ સમય એવો થઇ ગયો છે કે જીવવા માટે સંઘર્ષ કરવો પડી રહયો છે.

હાઇકોર્ટે કહયું હતું કે બીન જવાબદાર વ્‍હેવાર માટે ચુંટણી પંચના અધિકારીઓ વિરૂધ્‍ધ હત્‍યાનો કેસ કરવો જોઇએ. પંચ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્‍ફળ ગયું છે. ચુંટણીમાં રાજકીય પક્ષોએ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યુ છે અને પંચ તેને રોકવામાં નિષ્‍ફળ ગયું છે. અદાલતે કહયું હતું કે, ચુંટણી પંચને કારણે સ્‍થિતિ વિકરાળ બની છે અને તે રાજકીય પક્ષો ઉપર સિકંજો કસવામાં નિષ્‍ફળ ગયું છે. પંચે પોતાના અધિકારનો ઉપયોગ નથી કર્યો. અનેક આદેશો છતા રાજકીય પક્ષો વિરૂધ્‍ધ પગલા નથી લેવાયા.

અદાલતે કહયું હતું કે લોકોનું સ્‍વાસ્‍થ્‍ય અમારા માટે મહત્‍વનું છે અને તેની સાથે કોઇ સમજુતી કરી ન શકાય. બંધારણીય સંસ્‍થાઓએ જવાબદારીથી વર્તવુ જોઇએ.

(3:33 pm IST)