Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પાકિસ્તાનમાં પણ કોરોના દોડવા લાગ્યો : ઇમરાન ખાને લશ્કરને પોલીસની મદદ કરવો કહ્યું

માસ્ક પહેરો તો અડધી મુશ્કેલીનો અંત આવી જશે : ભારત જેવી ભયાનક સ્થિતી સર્જાશે તો લોકડાઉન લાદવા તૈયારી

ઇસ્લામાબા,તા. ૨૬: કોરોના વાયરસ સંકટના કારણે ભારત બાદ પાકિસ્તાનની સ્થિતિ પણ કથળી રહી છે. ભારતની જેમ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ કારણે પાકિસ્તાનની હોસ્પિટલોમાં ઓકિસજન, બેડની તંગી સર્જાઈ છે. ઈસ્લામાબાદ ખાતે આવેલી પાકિસ્તાન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝમાં બેડની તંગી સર્જાઈ છે અને ઓકિસજનની તંગીના કારણે સર્જરી અટકાવી દેવામાં આવી છે.પાકિસ્તાનમાં એક દિવસમાં  કોરોનાના નવા ૫,૮૭૦ કેસ નોંધાયા હતા અને આ જીવલેણ વાયરસે ૧૪૪ લોકોનો જીવ લીધો હતો.

૨૩ એપ્રિલ સુધીના આંકડાઓ પ્રમાણે પાકિસ્તાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭,૮૪,૧૦૮ થઈ ચુકી છે અને અત્યાર સુધીમાં ૧૬,૮૪૨ લોકો મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાનનો પોઝિટિવિટી રેટ ૧૦.૯૧ ટકા છે. કોરોના દર્દીઓનો નવો આંકડો સામે આવ્યા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.ઈમરાન ખાને દેશવાસીઓને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરી હતી. સાથે જ જો ભારત જેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામશે તો લોકડાઉન લાગુ કરવું પડશે તેવી ચેતવણી પણ આપી હતી.

નેશનલ કોર્ડિનેશન કમિટીની બેઠક બાદ ઈમરાન ખાને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા અને સેનાને દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગના દિશા-નિર્દેશોનું પાલન કરાવવામાં પોલીસની મદદ કરવા કહેવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.

ઈમરાન ખાનના કહેવા પ્રમાણે જો લોકો માસ્ક પહેરવાનું ચાલુ કરી દે તો અડધી મુશ્કેલીનો ત્યાં જ અંત આવી જશે. તેમના મતે સરકાર લોકડાઉનથી બચવા પ્રયત્ન કરી રહી છે કારણ કે તેનાથી સૌથી મોટો ફટકો ગરીબોને પડશે પરંતુ જો મહામારી વકરે તો સ્થિતિ બદલાઈ શકે છે.

(3:51 pm IST)