Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દીકરા માટે પિતાએ બ્લેકમાં ખરીદયા બે રેમડેસીવિરઃ શીશીમાં ગ્લુકોઝનું પાણી નીકળ્યું

છેતરપિંડી આચરનાર યુવકની ધરપકડઃ સમગ્ર ઘટના અંગે ઉજ્જવલ પટેલ નામના યુવકની ધરપકડ થઈઃયુવક ગ્લુકોઝનું પાણી ભરીને શીશી ફેવિકિવકથી સીલ કરી દેતો

ઈન્દોર, તા.૨૬: કોરોના સંક્રમણની સારવારમાં જીવનરક્ષક ગણાતા રેમડેસિવિયરની અછતને કારણે મધ્યપ્રદેશમાં દરરોજ બ્લેક માર્કેટિંગ અને છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે. શહેરની લસુડિયા પોલીસે એક યુવકને પકડ્યો છે જે ઈન્જેકશનની બોટલમાં ગ્લુકોઝ પાણી ભરીને લોકોને છેતરી રહ્યો હતો. આ અંગે એક પિતાએ પોલીસને ફરિયાદ કરી હતી જેમણે એક યુવક પાસેથી તેમના દીકરા માટે બે ઇન્જેકશન ખરીદ્યા હતા, પરંતુ જયારે ડોકટરે જોયું તો શીશીમાં દવાની જગ્યાએ ગ્લુકોઝનું પાણી નીકળ્યું.

મામલો ઈન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. કોરોનાગ્રસ્ત યુવક વિશાલના પિતા ગણેશ રાવે જણાવ્યું કે તેમનો પુત્ર ઓકિસજન સપોર્ટ પર છે. તેઓ તેના માટે રેમડેસિવિયર ઈન્જેકશનની શોધમાં ભટકતા હતા આ દરમિયાન તેમની ઉજ્જવલ નામના એક શખ્સ સાથે મુલાકાત થઈ હતી. ઉજ્જવલે પોતાનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે, તે ઈન્જેકશનની વ્યવસ્થા કરી શકે છે.

જયારે તેઓ ઉજ્જવલ નામના યુવકને મળ્યા ત્યારે તેઓ તેમના માટે રેમેડિસવીર ઈન્જેકશનની શોધમાં ભટકતા હતા. ઉજ્જવાલે તેને તેનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે તે ઈન્જેકશનની વ્યવસ્થા કરી શકે. જયારે ગણેશ રાવે ઉજ્જવલ સાથે ફોન પર વાત કરી ત્યારે તેણે એક ઈન્જેકશન ૨૦ હજાર રૂપિયામાં આપવાની વાત કરી હતી. બીજો કોઈ રસ્તો ન દેખાતા પિતાએ બે ઇન્જેકશન ખરીદીને હોસ્પિટલ આવી ગયા. ત્યારે હોસ્પિટલના ડોકટરે જોઈને જણાવ્યું કે, ઈન્જેકશનની શીશી ગ્લુકોઝના પાણીથી ભરેલી છે.

ડોકટરે ઈન્જેકશનનું સીલ જોયું તો તે તૂટેલું હતું તેમજ સીલને ફેવિકિવકથી ચોટાડવામાં આવી હતી. ડોકટરે શીશીના ઉપર લાગેલા રબર પર સોયનું નિશાન પણ જોયું હતું. ત્યારબાદ ડોકટરે વૃદ્ઘ પિતાને છેતરપિંડી વિશે જણાવ્યું હતું.ગુસ્સે ભરાયેલા ગણેશ રાવે યુવકને પોલીસને હવાલે કરવાની યોજના બનાવી હતી. ત્યારબાદ તેમણે ઉજ્જવલને ફોન કર્યો અને વધુ બે ઇન્જેકશન માંગ્યા. ત્યારે ઉજ્જવલે તેમને પૈસા લઈને આવવા માટે કહ્યું હતું.

ગણેશ રાવ ઉજ્જવલે જણાવેલા સ્થળ પર પહોંચી ગયા પરંતુ પૈસા દ્યરે જ ભૂલી ગયા છે તેવું બહાનું બનાવીને ઉજ્જવલને પોતાની કારમાં બેસાડી દીધો અને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ઉજ્જવલ પટેલની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસ તેની સાથે સંકળાયેલા લોકો વિશેની માહિતી એકઠી કરી રહી છે.

(4:41 pm IST)