Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોના માટે વડાપ્રધાન અને ચૂંટણી પંચ બંને જવાબદારઃ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને આવકારતા મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ. તેમણે દેશમાં કોરોનાની બીજી લહેર માટે વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યા. સાથે કહ્યું કે દેશમાં કોરોના વધી રહ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી મનની વાત કરી રહ્યા છે.

સીએમ મમતા બેનરજીએ પત્રકારો સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું કે “ચૂંટણી પંચ લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યું છે. ચૂંટણી પંચના ચુકાદા સામે તેઓ સુપ્રીમ કોર્ટની બંધારણી બેન્ચ સમક્ષ અરજી કરશે.”

બંગાળમાં 200થી વધુ બેઠકો પર જીતનો દાવો

મમતા બેનરજીએ દાવો કર્યો કે ચૂંટણી પંચ અને ભાજપના પક્ષપાતી વલણ છતાં ટીએમસી રાજ્યમાં 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવા માંગતા નથી.

કોરોના માટે નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચ બંને જવાબદાર છે. કારણ કે બંગાળમાં ત્રણ લાખ લોકોને અલગ રાખી દીધા બહાની પોલીસ બોલાવાઇ છે. બંગાળની પોલીસ પર કોઇ વિશ્વાસ નથી. આ બધા ભાજપના સમર્થક છે. રિટાયર્ડ પોલીસ અધિકારીઓને અહીં બેસાડી દેવાયા છે.

ચૂંટણી પંચ લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યાનો આરોપ

મમતાએ કહ્યું કે દેશમાં લોકો ચિતા પર સળગી રહ્યા છે અને લોકતંત્ર ન્યાય માગે છે. આવું ચૂંટણી પંચ રહેશે તો ભારતવર્ષ નહીં રહે. વન પાર્ટી વન રુલ રહેગા. સર્વોચ્ચ અદાલતની બંધારણ બેન્ચ સમક્ષ જઇશ. પંચ ત્રણ નિયુક્ત લોકો ચલાવી રહ્યા છે. લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છે.

વર્ષ 2019ની ચૂંટણીમાં બહુ સંયમ રાખ્યો હતો. વિચાર્યું હતું કે સુબુદ્ધિનો ઉદય થશે. ટીએમસીના નેતાઓને ગુંડા કહેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે લિસ્ટ આપી રહ્યું છે કે કોની ધરપકડ કરવામાં આવશે. પરંતુ કોઇ પોલીસ સ્ટેશન નહીં જાય.

નોંધનીય છે કે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચ પર કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર સામે આવ્યા બાદ રાજકીય દળોને ચૂંટણી રેલી કરવાની પરવાનગી આપવાને લઇને ફટકાર લગાવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ બેનરજીએ એક સુનાવણી દરમિયાન કહ્યુ કે ચૂંટણી પંચના અધિકારીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પર કેસ દાખલ કરવો જોઇએ.

તો 2 મેના રોજ મતગણતરી અટકાવી દેવાશેઃ મદ્રાસ હાઇકોર્ટ

મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનર્જીએ ભારતના ચૂંટણી પંચને કહ્યુ, તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે. મદ્રાસ હાઇકોર્ટે ચેતવણી આપી છે કે જો 2 મેએ પંચે કોરોના પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય યોજના ના બનાવી તો મતગણતરી પર તુરંત રોક લગાવી દેવામાં આવશે.

(5:22 pm IST)