Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મધ્‍યપ્રદેશના ભિંડમાં કોરોના સંક્રમણ અટકાવવા નવી પહેલઃ 10 લોકોની હાજરીમાં લગ્ન કરનારને એસપી પોતાના બંગલે જમાડશે અને વર-કન્‍યાનું સન્‍માન કરાશે

ભોપાલ: મધ્ય પ્રદેશના ભિંડમાં લગ્ન સમારંભમાં ઓછા લોકોને બોલાવે, તે માટે એક સારી પહેલ કરવામાં આવી છે. માત્ર 10 લોકોની હાજરીમાં લગ્ન કરનારા નવયુગલને ભિંડ પોલીસ સુપરીટેન્ડન્ટ મનોજકુમાર સિંહના બંગલામાં ડિનર પાર્ટી આપવામાં આવશે. આ દરમિયાન પોલીસ સુપરીટેન્ડન્ટ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે અને વર-કન્યાનું સમ્માન પણ કરશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભિંડ જિલ્લાના યુવકો આ તકનો ફાયદો ઉઠાવીને પોતાના લગ્નને લોકડાઉનમાં યાદગાર બનાવી શકે છે. પોલીસ સુપરીટેન્ડન્ટે લગ્ન કરવા જઈ રહેલા યુવકો અને યુવતીઓને કહ્યું છે કે, લૉકડાઉનમાં 10 લોકોની હાજરીમાં જ લગ્નનું આયોજન કરો. અમે સરકારી બંગલે તમને ડિનર માટે બોલાવીશુ. આટલું જ નહી નવ દંપતીને લેવા માટે સરકારી વાહન પણ મોકલવામાં આવશે.

જિલ્લા વહીવટી અધિકારી દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લગ્ન સમારંભમાં વર પક્ષ તરફથી પાંચ અને કન્યા પક્ષ તરફથી 5 મળીને કુલ 10 લોકોની હાજરીમાં લગ્ન વિધિ પૂરી કરવાની અપીલ કરી ચૂક્યું છે. આ દરમિયાન ભિંડ પોલીસ સુપરીટેન્ડન્ટ તરફથી આ અનોખી પહેલ કરવામાં આવી છે.

10 લોકોની ઉપસ્થિતિમાં લગ્ન સમારંભ પૂર્ણ કરનારા વર-કન્યાને પોતાના બંગલા પર તેડવા માટે SP સાહેબ સરકારી ગાડી પણ મોકલશે. આ સાથે પાયલટ વાહન વર-કન્યાને ફૉલો કરશે. આ વાહન લગ્ન સ્થળથી વર-કન્યાએ લઈને પોલીસ સુપરીટેન્ડન્ટના બંગલે લઈ જશે. જ્યાં તેઓ ભિંડ પોલીસ સુપરીટેન્ડન્ટના પરિવાર સાથે ડિનર કરશે. જે બાદ સરકારી વાહન તેમને ફરીથી લગ્ન સ્થળે પરત મૂકી જશે.

(5:24 pm IST)