Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

IPL 2021 : કલક્તાએ પંજાબને 5 વિકેટે હરાવ્યુ: મોર્ગનના અણનમ 47 રન ફટકાર્યા : પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી

પંજાબના 123 રનના જવાબમાં કોલક્તાએ 5 વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં 126 રન કરી લીધા

આઈપીએલ 2021ની 21મી મેચ પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કલકત્તાએ મેચને 5 વિકેટે જીતી લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચમાં કલકત્તાના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે ટોસ હારીને બેટીંગ કરતા ઝડપથી વિકેટો નિયમિત રીતે ગુમાવવા સાથે રન પણ ધીમી ગતીએ બનાવ્યા હતા. પંજાબે 9 વિકેટ ગુમાવીને 123 રન 20 ઓવરના અંતે બનાવ્યા હતા. જવાબમાં કલકત્તાએ 5 વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં 126 રન કર્યા હતા.

લક્ષ્‍યાંકનો પીછો કરતા બેટીંગની શરુઆત કરતા કલકત્તાની સ્થિતી સારી રહી નહોતી. 5 રનના સ્કોર પર પહેલી, 9 રને બીજી અને 17 રને ત્રીજી વિકેટ ગુમાવી દેતા કલકત્તા નિરાશ અને પંજાબ ઉત્સાહમાં આવી ચુક્યુ હતુ. પરંતુ રાહુલ ત્રિપાઠી અને ઈયોન મોર્ગને સ્થિતી સંભાળી જીતને નજીક લાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠીએ 32 બોલમાં 41 રન કર્યા હતા. ઈયોન મોર્ગને 40 બોલમાં 47 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 12 રન કર્યા હતા. મોર્ગન અને કાર્તિક બંને અંતમાં અણનમ રહ્યા હતા. શુભમન ગીલે 9 રન, નિતિશ રાણા શૂન્ય રન, સુનિલ નરેને શૂન્ય રન અને આંદ્રે રસેલે 10 રન કર્યા હતા.

બોલરોએ ખાસ કોઈ દમ જાણે આજે દેખાડ્યો નહોતો. શરુઆતમાં વિકેટ એક બાદ એક ત્રણ મેળવ્યા બાદ કલકત્તા પર વધારે દબાણ સર્જતી વિકેટ મેળવવામાં સફળતા મળી નહોતી. મહંમદ શામીએ 4 ઓવરના અંતે 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 19 રન આપ્યા હતા. મોઈસીસ હેનરીક્સ અને અર્શદીપ સિંહે એક એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરી 20 રન આપીને એક વિકેટ મેળવી હતી.

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને આવેલી પંજાબની ટીમે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 19 રન કર્યા હતા. તેના સ્વરુપમાં 36 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે મયંક અગ્રવાલે 34 બોલમાં 31 રન કર્યા હતા. ક્રિસ ગેઈલ શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દિપક હુડ્ડાએ પણ એક રન કરીને જ વિકેટ ગુમાવી હતી. નિકોલસ પૂરને 19 અને મોઈસીસ હેનરીક્સે 2 રન કર્યા હતા. શાહરુખ ખાને 13 રન અને રવિ બિશ્નોઈએ એક રન કર્યા હતા. અંતમાં ક્રિસ જોર્ડને 3 છગ્ગા અને એક ચોગ્ગા સાથે ઝડપી 30 રન કરતા સ્કોર બોર્ડ આગળ ચાલ્યુ હતુ.

પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 30 રન આપ્યા હતા. સુનિલ નરેને 4 ઓવર કરીને 22 રન આપી 2 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે 3 ઓવર કરીને 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. શિવમ માવીએ 4 ઓવર કરીને 13 રન આપી એક વિકેટ ઝડપી હતી

(11:49 pm IST)