Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પંજાબ, યુપી, દિલ્‍હી સહિત ૩ લોકસભા અને ૭ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ૨૩ જૂને યોજાશે : પરિણામ ૨૬ તારીખે આવશે

પેટાચૂંટણી ૨૦૨૨ : અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામા બાદ ખાલી પડેલી રામપુર અને આઝમગઢ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે

લખનૌ તા. ૨૬ : ચૂંટણી પંચે ૩ લોકસભા અને ૭ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્‍હી, ત્રિપુરા, ઝારખંડ અને આંધ્રપ્રદેશની સીટોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ બુધવારે (૨૫ મે, ૨૦૨૨) તમામ બેઠકો પર ૨૩ જૂને મતદાન થશે અને પરિણામ ૨૬ જૂને આવશે.

અખિલેશ યાદવ અને આઝમ ખાનના સાંસદ પદેથી રાજીનામું આપ્‍યા બાદ રામપુર અને આઝમગઢ સીટ ખાલી પડી હતી.

પંજાબ

પંજાબની હાઈ-પ્રોફાઈલ સંગરુર લોકસભા સીટ પર ૨૩ જૂને મતદાન થશે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ ભગવંત માન પંજાબના મુખ્‍યમંત્રી બન્‍યા, આ સીટ પરથી જ સાંસદ હતા.

ઉત્તર પ્રદેશ

યુપી પેટાચૂંટણીમાં જે બે બેઠકો પર મતદાન થશે તે આઝમગઢ અને રામપુર લોકસભા બેઠક છે. આ મતવિસ્‍તારોનું પ્રતિનિધિત્‍વ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાથી આઝમ ખાને કર્યું હતું. અખિલેશ યાદવ ૨૦૨૨ની ચૂંટણીમાં કરહાલથી વિધાનસભા માટે ચૂંટાયા હતા, જયારે આઝમ ખાને જેલમાંથી રામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી.

દિલ્‍હી

દિલ્‍હીના રાજેન્‍દ્ર નગર વિધાનસભા ક્ષેત્રમાં ૨૩ જૂને મતદાન થશે. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા તાજેતરમાં પંજાબમાંથી રાજયસભાના સભ્‍ય બન્‍યા બાદ આ સીટ ખાલી પડી હતી. રાઘવ ચઢ્ઢા ૨૦૨૦માં રાજેન્‍દ્ર નગરથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતા.

ત્રિપુરા

ત્રિપુરાની ચાર વિધાનસભા બેઠકો- અગરતલા, ટાઉન બોરદોવાલી, સૂરમા અને જુબરાજનગરમાં ૨૩ જૂને પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્‍યા અનુસાર, પેટાચૂંટણી માટેની સૂચના ૩૦ મેના રોજ જારી કરવામાં આવશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૬ જૂન, ૨૦૨૨ છે.

ઝારખંડ

ઝારખંડની મંદાર વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાવાની છે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાની આત્‍મકુર વિધાનસભા બેઠક પર પણ મતદાન થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આંધ્ર પ્રદેશના મંત્રી મેકાપતિ ગૌતમના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી.

(10:22 am IST)