Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

૨૦૨૦માં ૩,૬૬,૧૩૮ માર્ગ અકસ્‍માતઃ ૧,૩૧,૭૧૪ના મોત

મુસાફરી સલામત નથી : મૃતકોમાં સૌથી વધુ યુવાનો : ૨૦૨૦માં ૧.૨૦ લાખથી વધુ થયા ઘાતક અકસ્‍માતઃ દર ૧૦૦ અકસ્‍માતમાં ૩૬ લોકોએ જીવ ગુમાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૬: ૨૦૨૦ની સાલ દરમ્‍યાન કુલ ૧,૨૦,૮૦૬ ઘાતક અકસ્‍માતો થયા અને તેમાં મોટા ભાગે યુવાઓ ભોગ બન્‍યા હતા. રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય દ્વારા બહાર પડાયેલ એક નવા રિપોર્ટથી આ માહિતી મળી છે. ‘ભારતમાં રોડ એકસીડન્‍ટ - ૨૦૨૦' નામના આ રીપોર્ટમાં કહેવાયુ છે કે કુલ ૧,૨૦,૮૦૬ ઘાતક અકસ્‍માતોમાંથી ૪૩૪૧૨ (૩૫.૯ ટકા) અકસ્‍માતો નેશનલ હાઇવે પર થયા હતા. તો ૩૦,૧૭૧ (૨૫ ટકા) સ્‍ટેટ હાઇવે પર અને ૪૭૨૨૩ (૩૯.૧ ટકા) અન્‍ય રસ્‍તાઓ પર થયા હતા.

૨૦૨૦માં ઘાતક એકસીડન્‍ટની કુલ સંખ્‍યા ૨૦૧૯ના ૧,૩૭૬૮૯ના આંકડાથી ૧૨.૨૩ ટકા ઓછી છે. રીપોર્ટમાં કહેવાયુ છે કે રોડ એકસીડન્‍ટની ગંભીરતાને દર ૧૦૦ અકસ્‍માતોમાં મરાયેલ વ્‍યકિતઓની સંખ્‍યાથી માપવામાં આવે છે. જો કે ૨૦૨૦ દરમ્‍યાન તેમાં ૨.૩ ટકાનો વધારો જોવા મળ્‍યો.

રીપોર્ટ અનુસાર, ૨૦૨૦ દરમ્‍યાન રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૩,૬૬,૧૩૮ રોડ એકસીડન્‍ટ થયા જેમાં ૧,૩૧,૭૧૪ લોકોના જીવ ગયા અને ૩,૪૮,૨૭૯ લોકો ઘાયલ થયા. રીપોર્ટ અનુસાર, ૨૦૨૦માં રોડ એકસીડન્‍ટમાં માર્યા ગયેલ લોકોની કુલ સંખ્‍યા ૨૦૧૯ની સરખામણીમાં ૧૨.૬ ટકા ઓછી હતી.

રીપોર્ટ અનુસાર દુર્ઘટનાનો ભોગ બનનારાઓમાં ૧૮.૪૫ આયુ વર્ગનો હિસ્‍સો ૬૯ ટકા હતો. તો ૧૮-૬૦ વર્ષના આયુ વર્ગની ભાગીદારી ૮૭.૪ ટકા હતી. રીપોર્ટમાં કહેવાયુ છે કે રોડ એકસીડન્‍ટમાં સામેલ ગાડીઓની શ્રેણીમાં ટુ વ્‍હીલર્સની સંખ્‍યા ૨૦૨૦ દરમ્‍યાન કુલ અકસ્‍માતો અને ઘાતક અકસ્‍માતોમાં સૌથી વધારે રહી હતી.

રાજયની રીતે જોઇએ તો ૨૦૨૦માં નેશનલ હાઇવે પર સૌથી વધારે અકસ્‍માત તમિલનાડુમાં થયા હતા પણ રોડ એકસીડન્‍ટમાં મરનારાઓની સંખ્‍યા યુપીમાં સૌથી વધારે હતી. રીપોર્ટમાં કહેવાયુ છે કે ૨૦૨૦માં રોડ એકસીડન્‍ટ અને મોતમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાવનાર મુખ્‍ય રાજયો તમિલનાડુ, મહારાષ્‍ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ૨૦૨૦માં ૩૦.૧ ટકા મોત અને ૨૬ ટકા ઇજાની ઘટનાઓ હેલ્‍મેટનો ઉપયોગ નહીં કરવાથી થઇ છે. આવી જ રીતે ૧૧ ટકાથી વધારે ઇજાઓ અને મોતની ઘટના સીટબેલ્‍ટ ના બાંધ્‍યો હોવાના કારણે થઇ. રીપોર્ટ અનુસાર, ૨૦૨૦ દરમ્‍યાન ૫૦ ટકાથી વધારે અકસ્‍માતો અને મોત માટે ૧૦ વર્ષ સુધીની જુની ગાડીઓનું યોગદાન હતું. જયારે ૧૦-૧૫ વર્ષ જુની ગાડીઓ ૧૨.૮ ટકા અને ૧૫ વર્ષથી વધારે જૂની ગાડીઓ ૧૨ ટકા હતી.

(10:29 am IST)