Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ટ્વીટર ખરીદવા મસ્કે જૂની ઓફર સુધારીને રિવાઈઝ્ડ પ્લાન મૂક્યો

મસ્ક ટ્વીટરના સોદામાં આગળ વધશે : ટ્વિટરના ફાઇનાન્સિંગ પ્લાનમાં ફેરફાર : એલોન મસ્ક ટ્વિટર ડીલ માટે બેંકો પાસેથી હવે ઓછી લોન લેશે

વોશિંગ્ટન, તા.૨૬ : વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી સોદામાં ટ્વિટરને ખરીદવાની જાહેરાત કર્યા બાદ ફેક યુઝર્સ અને શરતોના બહાને રકજક શરૃ કરી છે. મસ્કે ગત સપ્તાહે શરત મુકી હતી કે જ્યાં સુધી બોટના સાચા આંકડા નહિ આપવામાં આવે અને ૫% સુધી તેને સીમિત કરવામાં નહિ આવે ત્યાં સુધી સોદો 'હોલ્ડ' પર રહેશે. જોકે આજે મસ્કે કરેલ ૪૪ અબજ ડોલરની જુની ઓફર સુધારી છે.

ગુરૃવારના અહેવાલ અનુસાર એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને એક સુધારેલી યોજના સબમિટ કરી છે. આ બિડના જોરે ટ્વિટરનો શેર ગઈકાલના સેશનમાં ૪% ઉંચકાયો હતો. જોકે આ નવી રીવાઈઝ્ડ ઓફર સાથે ટ્વિટર ડીલ પર સંકટના વાદળો હવે ઘેરાઈ રહ્યાં છે.

મસ્કે સ્પામ એકાઉન્ટ્સના મુદ્દે ટ્વિટર ડીલને સ્થગિત કરી હતી. મસ્ક દાવો કર્યો હતો કે ટ્વિટર અનુસાર સ્પામ બોટ કુલ યુઝર્સના ૫ ટકા છે, જ્યારે અમારી ગણતરી અનુસાર આ આંકડો કુલ યુઝર્સના ૨૦ ટકાની આસપાસ છે.

એક અહેવાલ અનુસાર ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટ્વિટરને ખરીદવા માટે ગંભીર રીતે વિચારી રહ્યાં છે. ટ્વિટરના ફાઇનાન્સિંગ પ્લાનમાં ફેરફાર કરીને મસ્કે યુએસ સેકને કહ્યું કે ટ્વિટર ડીલ માટે બેંકો પાસેથી હવે ઓછી લોન લેશે. મસ્ક હવે ૬.૨૫ અબજ ડોલર ઓછી લોન લેશે.

આ સિવાય મસ્કે ટ્વિટરનો અમુક હિસ્સો અન્ય રોકાણકાર એટલેકે નવા ભાગીદારને પણ આપવાની તૈયારી દર્શાવી છે. આ પ્લાન અનુસાર ડીલમાં ઈક્વિટી હિસ્સો વધીને ૩૩.૫ અબજ ડોલર થશે. ટ્વિટરને ખરીદવા માટે ત્રણ સપ્તાહ અગાઉ મસ્કે ઓફર કરેલ ફાઈનાન્શિયલ બિડમાં ઇક્વિટી હિસ્સો ૨૭.૨૫ અબજ ડોલરનો હતો.

 ટેસ્લાના સીઈઓદ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ને સબમિટ કરવામાં આવેલી યોજનામાં સ્પષ્ટતા નથી કરવામાં આવી કે મસ્કે કેવી રીતે વધારાના શેરની ફાળવણી કરી વધુ નાણાં એકત્ર કરશે.

મસ્કના જુના મિત્ર અને ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી આ સોદામાં મસ્કના ભાગીદાર બની શકે છે. અગાઉના અહેવાલ અનુસાર ટ્વિટરના શેર ખરીદવા મસ્ક ડોર્સીને મનાવી રહ્યાં છે. ડોર્સી ટ્વિટરના સહ-સ્થાપક પણ છે. હાલમાં તે ટ્વિટરમાં ૨.૪ ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય અંદાજે ૭૦ કરોડ ડોલર છે. આ સિવાય મસ્કે પાસે ટ્વિટરમાં હાલ ૯.૬ ટકા હિસ્સો છે, જેનું વેલ્યુએશન ૨.૭ અબજ ડોલર છે.

(7:57 pm IST)