Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પરિવાર સમર્પિત પાર્ટીના સભ્યો ભ્રષ્ટાચારનો ચહેરો બને છેઃ મોદી

તેલંગણામાં ટીઆરએસ પર નિશાન સાધતા વડાપ્રધાન : રાજકીય વંશવાદના કારણે યુવાનો, પ્રતિભાઓને રાજકારણમાં આવવાની તક પણ નથી મળતી : વડાપ્રધાન

હૈદરાબાદ, તા.૨૬ : તેલંગાણામાં ટીઆરએસ સરકાર પર નિશાન સાધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૃવારે કહ્યું કે, જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં આવે છે ત્યારે તે પરિવારના સભ્યો ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. રાજ્યમાં એક જનસભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, રાજકીય વંશવાદના કારણે યુવાનો, પ્રતિભાઓને રાજકારણમાં આવવાની તક પણ નથી મળતી. પરિવારવાદ આવા યુવાનોના દરેક સ્વપ્નને કચડી નાખે છે અને તેમના માટે રાજકારણમાં પ્રવેશવાના દરવાજા બંધ કરી દે છે. રાજવંશોથી મુક્તિ, પારિવારિક પાર્ટીઓથી મુક્તિ પણ ૨૧મી સદીના ભારત માટે એક સંકલ્પ છે.

તેમણે કહ્યું કે, તેલંગાણાના લોકો જોઈ રહ્યા છે કે, જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં આવે છે તો તે પરિવારના સભ્યો ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. તેલંગાણાના લોકો જોઈ રહ્યા છે કે, પારિવારિક પાર્ટીઓ માત્ર પોતે જ સમૃદ્ધ થાય છે અને પોતાનો ખજાનો ભરે છે.

વડાપ્રધાને આ વાત પર પણ પ્રકાશ પાડ્યો છે કે, જ્યારે રાજકીય રાજવંશોને સત્તા પરથી હટાવી દેવામાં આવે છે તો તે વિકાસના રસ્તા ખોલી દે છે. તેમણે કહ્યું કે, હવે એ તેલંગાણાના મારા ભાઈઓ અને બહેનોની જવાબદારી છે કે, આ અભિયાનને આગળ વધારે.

તેલંગાણાના મુખ્યમંત્રી કલવાકુંતલા ચંદ્રશેખર રાવના પુત્ર કેટી રામા રાવ સિરસિલાથી ધારાસભ્ય છે અને આઈટી નગર વહીવટ અને શહેરી વિકાસના કેબિનેટ મંત્રી છે. બીજી તરફ કેસીઆરની પુત્રી કવિતાએ નિઝામાબાદથી સાંસદના રૃપમાં કામ કર્યું છે અને હાલમાં ૨૦૨૦થી વિધાન પરિષદ નિઝામાબાદના સદસ્યના રૃપમાં કામ કરી રહી છે. જ્યારે કેસીઆરના ભત્રીજા હરિશ રાવ સિદ્દીપેટથી ધરાસભ્ય છે અને તેલંગાણાના નાણામંત્રી છે.

તેલંગાણાના મુખ્યમંત્રીએ છેલ્લા ૪ મહિનામાં બીજી વખત નરેન્દ્ર મોદી સાથે બેઠક કરવાનું ટાળ્યું છે. આનું કારણ એ હતું કે, તેઓ પૂર્વ પીએમ એચડી દેવગૌડા અને તેમના પુત્ર જેડીના એચડી કુમાર સ્વામીને મળવા માટે બેંગલોર ગયા હતા. ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ મોદી આજે હૈદરાબાદમાં છે.

 

 

 

(8:04 pm IST)