Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સહારા ગ્રૂપને લાગ્યો ફટકો : સુપ્રીમ કોર્ટે કંપનીઓની તપાસ પર સ્ટે મૂકવાના હાઈકોર્ટના આદેશને રદ કર્યો

નવી દિલ્હી :સહારા ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સહારા ગ્રૂપની કંપનીઓ સામે SFIOની તપાસનો માર્ગ સાફ કરી દીધો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે અનેક ગ્રૂપ કંપનીઓની તપાસ પર વચગાળાની રાહત અને તપાસ પર સ્ટે આપવા માટે હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો છે. આદેશમાં સુપ્રીમ કોર્ટે  કહ્યું કે દિલ્હી હાઈકોર્ટનો તપાસ પર સ્ટે આપવાનો આદેશ યોગ્ય નથી. આ આદેશથી તપાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કોર્ટે કહ્યું કે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ હાઇકોર્ટમાં બે મહિનામાં આ મામલાને ઝડપથી નિકાલ કરવામાં આવે. SFIO સહારા ગ્રૂપની 9 કંપનીઓ વિરુદ્ધ તપાસ કરી રહી છે, જેમાં અલગ-અલગ કંપનીઓ સાથે સંબંધિત 1 લાખ કરોડ રૂપિયાના અલગ-અલગ વ્યવહારોની તપાસ સામેલ છે.

વાસ્તવમાં સીરિયલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સહારા જૂથ સાથે સંબંધિત નવ કંપનીઓની તપાસ પર રોક લગાવવાના હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જે બાદ આજે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશ કે જેની સામે SFIOએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી તે 13 ડિસેમ્બર 2021ના રોજ હતી, જેમાં દિલ્હી હાઈકોર્ટે સહારા જૂથના વડા અને અન્યો સામેની તમામ અનુગામી કાર્યવાહી પર રોક લગાવી હતી, જેમાં શિક્ષાત્મક કાર્યવાહી અને લુકઆઉટ નોટિસનો પણ સમાવેશ થાય છે. તેના આદેશમાં હાઈકોર્ટે 9 કંપનીઓની તપાસ માટેના SFIOના બે આદેશો પર પણ રોક લગાવી દીધી હતી. આ મામલામાં સહારા ગ્રૂપની કંપનીઓને રાહત આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી SFIOની અરજી પર 17 મેના રોજ સુપ્રીમ કોર્ટ વિચાર કરવા સંમત થઈ હતી. આજે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરના ચુકાદાને બાજુ પર રાખ્યો છે, જેથી હવે SFIO તપાસની દિશામાં આગળ વધી શકે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે SFIOની અરજીને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે સહારા ગ્રૂપના વડા સુબ્રત રોય સામે અન્ય બેન્ચ દ્વારા લુકઆઉટ સર્ક્યુલર પર તાજેતરના સ્ટેના સંદર્ભમાં અરજદાર (SFIO) તરફથી થોડી આશંકા છે. મહેતાએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. આ બંધ થવું જોઈએ.

(8:21 pm IST)