Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે : હવામાન વિભાગ

વિદર્ભ, કોલ્હાપુર અને કોંકણમાં તોફાની હવામાન રહેશે: મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ, અહમદનગર જિલ્લામાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ પ્રિ-મોન્સુન વરસાદે પોતાની હાજરી નોંધાવી દીધી છે. વરસાદનું આ આગમન મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. મરાઠાવાડા, વિદર્ભ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોએ ખેતીની કામગીરી વેગવંતી શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વધુ ભારે વરસાદ પડશે.

નાંદેડ જિલ્લામાં ચોમાસા પહેલા વરસાદે જોરદાર બેટિંગ કરી છે. બુધવારે સાંજે અને મધ્યરાત્રિએ નાંદેડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદથી ચોમાસા પહેલા જ વાતાવરણ ચોમાસા જેવું બની ગયું છે. હવામાન વિભાગે બે દિવસ પહેલા મુંબઈ, કોંકણ, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાનું એલર્ટ જાહેર કર્યું હતું.

પશ્ચિમ ભાગમાં નીચા દબાણના ક્ષેત્રની રચના અને બંગાળની ખાડી તરફ ચક્રવાતની સ્થિતિને કારણે દેશના ઘણા રાજ્યોમાં પ્રિ-મોન્સુન વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર સહિત કોંકણ અને વિદર્ભના ભાગોમાં આગામી ચાર દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 જિલ્લાઓ જ્યાં મુશળધાર વરસાદની અપેક્ષા છે, તેમાં મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ, અહેમદનગર જિલ્લાનું નામ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કોંકણ વિસ્તારમાં 29 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદ પડશે. આ સિવાય મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભ પ્રદેશમાં આજે (26 મે, ગુરુવાર) હવામાન શુષ્ક રહ્યું હોવા છતાં આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ખેડૂતોએ ખેતીને લગતી તૈયારીઓ તેજ કરી દીધી છે અને ચોમાસા પહેલાના વરસાદને આવકાર્યો છે.

(11:21 pm IST)