Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવા માટે નહીં કરે કોઈપણ ઉતાવળ: શિવસેનાને દરેક જગ્યાએથી ખતમ કરવાનો લક્ષ્ય

શિવસેનાના દરેક ટેકેદાર જીતવા માટે ભાજપ દ્વારા પ્રયાસ ; ભાજપ પોતાની હિન્દુત્વના ટેકેદારો ઉપર પકડ મજબૂત કરવા ઇચ્છુક

મુંબઈ :ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં સત્તા ઉપર રહેલા પોતાના સૌથી જૂના સાથી પક્ષ અને હવે વિરોધી એવા શિવસેનામાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં પોતાનો હાથ હોવાનો પ્રથમ વખત સંકેત આપ્યો છે. 

સમાચાર સંસ્થા PTIના એક અહેવાલ અનુસાર ભાજપ સરકાર બનાવવા માટે કોઈ ઉતાવળ કરશે નહી પણ અત્યારે ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ કરેલા બળવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રાજ્યમાં સત્તા પરિવર્તન નથી પણ હિન્દુવાદી પક્ષને વિધાનસભાથી લઇ, મહાપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધી નુકસાન કરવાનો છે એવો દાવો સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં પક્ષના એક નેતાએ કર્યો હતો.

વર્તમાન લડાઈ માત્ર સત્તા પરિવર્તન માટે નથી પણ શિવસેનાના દરેક ટેકેદાર જીતવા માટે ભાજપ દ્વારા થઇ રહેલો પ્રયાસ છે જેથી પક્ષ પોતાની હિન્દુત્વના ટેકેદારો ઉપર પકડ મજબૂત કરી શકે એવું આ નેતાએ નામ નહી આપવાની શરતે જણાવ્યું છે.

આ દિશામાં પ્રથમ પગલાં તરીકે અમે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ વધુને વધુ ધારાસભ્યો વિદ્રોહ કરે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. શિંદેને મજૂબત કરી રહ્યા છીએ. શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની હિંદુ વિચારધારા સાથે સહમત હોય એવા વધુને વધુ સભ્યો એકત્ર થઇ રહ્યા છે.

વર્ષ 2019માં રાજ્ય વિધાનસભાની ચુટણીના પરિણામ પછી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે દગો આપ્યો તેનાથી ભાજપ અત્યંત નારાજ છે. ઠાકરેએ બે દાયકા જૂની હિંદુયુતિ છોડી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારે જયારે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી બનાવી ત્યારથી લઇ તા.20 જૂનના રોજ વિધાનપરિષદની ચુટણીમાં મતગણતરી સુધી આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે.

(12:41 am IST)