Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની ચાન્સેલર ઓલાફ શોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂનના રોજ યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા : વડાપ્રધાન મોદી રવિવારે જર્મની પહોંચ્યા

જી-7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જળવાયુ પરિવર્તન સહિતના મહત્વના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

નવી દિલ્‍હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની ચાન્સેલર ઓલાફ શોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂનના રોજ યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી રવિવારે જર્મની પહોંચ્યા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર પરંપરાગત બેન્ડની ધૂન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમઓ ઈન્ડિયા દ્વારા પીએમ મોદીના સ્વાગતનો વીડિયો પણ ટ્વીટ કરવામાં આવ્યો છે. જી-7 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જળવાયુ પરિવર્તન સહિતના મહત્વના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર શ્રદ્ધાંજલિ આપશે. G7 સમિટમાં યુક્રેન સંકટના મુદ્દે ભારતનું વલણ શું હશે તે અંગે પૂછવામાં આવતા ક્વાત્રાએ કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ થયુ ત્યારથી ભારતનું વલણ સ્પષ્ટ છે કે બને તેમ જલદી યુદ્ધ વિરામ થવો જોઇએ. સમસ્યાનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ મારફતે લાવવો જોઇએ.

તેમણે કહ્યું કે ભારતે ખાદ્ય, ઉર્જા સુરક્ષા, ઉત્પાદન સાથે જોડાયેલો ફુગાવો, યુક્રેન સંકટને કારણે વૈશ્વિક સપ્લાયને અસર થવા મુદ્દા પર વિવિધ મંચો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ક્વાત્રાએ કહ્યું હતું કે વૈશ્વિક મંચો પર ભારતનું વલણ ભારતના હિતો અને તેના સિદ્ધાંતો દ્વારા નક્કી થાય છે અને તેમાં કોઈ શંકા કે સંકોચ ન હોવો જોઈએ. G7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું જૂથ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. વિદેશ સચિવે કહ્યું કે G7 સમિટ જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અન્ય ઘણા ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

(11:58 am IST)