Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી

વિપક્ષના હોબાળા બાદ લોકસભા ૨ વાગ્યા સુધી સ્થગિત : રાજયસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત અનેક કોંગ્રેસના નેતાઓની ધરપકડ

નવી દિલ્હી, તા.૨૬: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના રસ્તાઓ પર ટ્રેકટર ચલાવતા જોવા મળ્યા. કૃષિ કાયદાઓની વિરુદ્ઘ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારના રાહુલ ગાંધી ટ્રેકટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા. રાહુલ ગાંધીની સાથે રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા સહિત અનેક કોંગ્રેસી નેતા પણ જોવા મળ્યા. ટ્રેકટર પર કૃષિ કાયદાની વિરુદ્ઘમાં પોસ્ટર જોવા મળ્યા હતા અને ખેડૂતોને સમર્થનની વાત કહેવામાં આવી. રાજયસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવી રહી. સરકારે આ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવા પડશે. આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુદ્ઘ ખેડૂતો દ્વારા દિલ્હીના જંતર-મંતર પર કિસાન સંસદ લગાવવામાં આવી રહી છે. ૨૦૦ ખેડૂતો દરરોજ જંતર-મંતર પર સંસદ કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલું રહેશે.

છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન દિલ્હીની ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડર પર ચાલું છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવામાં આવે, પરંતુ સરકારનું કહેવું છે કે કાયદા પાછા લેવામાં નહીં આવે. જો કોઈ બદલાવ કરવો હોય તો સરકાર વાતચીત માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોનો જે સંદેશ છે એ અમે સંસદ સુધી લાવ્યા છીએ. ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે, આ કારણે અમે ટ્રેકટરથી આવ્યા છીએ. તેમણે કહ્યું કે, સંસદમાં આ વિષય પર ચર્ચા કરવા દેવામાં નથી આવી રહી.

બીજી તરફ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની માંગને લઈને અકાલી દળના સાંસદોએ આજે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. અકાલી દળ સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, સરકાર માંગ માનવાની જગ્યાએ અન્નદાતાઓને ગાળો આપી રહી છે.

(12:53 pm IST)