Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હવે સંસદમાં અનેક બિલ રજુ કરવા તૈયાર સરકાર

સંસદનું પ્રથમ સપ્તાહ હોબાળાને ભેટ ચડયુ

નવી દિલ્હી તા.ર૬ : સંસદનું મોનસુન સત્રનું પ્રથમ સપ્તાહ હોબાળામાં ગયા બાદ બાકી રહેલા ૧૪ દિવસમાં સરકારને અનેક બિલ રજુ કરવાના છે. ગયા સપ્તાહે ઇઝરાયલી સ્પાઇવેરથી જાસુસી, ત્રણ કૃષિ કાયદા અને એક અખબારના કાર્યાલયમાં આયકરના દરોડા અંગે સંસદમાં હોબાળો થતા રહયા જેનાથી વારંવાર કાર્યવાહી સ્થગીત કરવામાં આવી.

એક વરિષ્ઠ મંત્રીએ નામ ન છાપવાની શરત પર કહયું કે, આ મોનસુન સત્રમાં અમારી પાસે કુલ રપ વિધેયક અને અધ્યાદેશ છે. બીજી બાજુ લોકસભા અને રાજયસભા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટીસ મુજબ સરકારે આ સપ્તાહની કાર્યવાહી દરમિયાન પાંચ અધ્યાદેશોને સુચીબધ્ધ કરવામાં આવ્યા છે. તેમા હોમીયોપેથી કેન્દ્રીય પરીષદ અધ્યાદેશ, ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ અધ્યાદેશ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવતા પ્રબંધન પંચ અધ્યાદેશ જરૂરી રક્ષા સેવા અધ્યાદેશ સામેલ છે.

જો સરકાર આ ક્ષેત્રમાં અધ્યાદેશોને વિધેયકો સાથે બદલવામાં વિફળ રહે છે, તો કાયદાના કાર્યકારી આદેશ સમાપ્ત થશે અને સરકારને નવા અધ્યાદેશ લાવવા અથવા અસ્થાયી કાયદાને સમાપ્ત થવા દેવો પડશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાનીક્ષેત્ર અને પાડોશી ક્ષેત્રોમાં વાયુ ગુણવતા પ્રબંધ પર અધ્યાદેશ આ શરૂઆતમાં સમાપ્ત થઇ ગયો હતો.

સત્ર દરમિયાન આ અધ્યાદેશો પર મુહર ન લગવાથી તેની યોગ્યતા ખતમ થશે. જો કે સરકારના પ્રયત્નો કોઇપણ રીતે આજથી શરૂ થઇ રહેલી બીજાસપ્તાહની સત્રની કાર્યવાહીમાં વચ્ચેનો રસ્તો કાઢવાની છે. 

(12:53 pm IST)