Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે મમતા બેનરજીએ બનાવી પેનલ

ભત્રીજાનું નામ પણ હતું યાદીમાં: સુપ્રિમ અને હાઇકોર્ટના રિટાયર્ડ જજ થશે સામેલ

કોલકાતૉં પેગાસસ ફોન હેકિંગ મામલે તપાસ માટે પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બે સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે. આ તપાસમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના રિટાયર્ડ જજ સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી મમતાએ આ નિર્ણય તે સમયે લીધો છે જયારે તેમના ભત્રીજા અને ટીએમસી મહાસચિવ અભિષેક બેનરજીનુ નામ પણ તે સંભવિતોની યાદીમાં આવ્યુ છે, જેમનો ફોન પેગાસસ સ્પાઇવેરથી હેક કરવામાં આવ્યો હતો.

પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે પંચની રચનાનો નિર્ણય મમતા બેનરજીની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કેબિનેટ મીટિંગમાં લેવામાં આવ્યો હતો. બેઠક બાદ પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ કહ્યુ, અમે ઇચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્ર પંચ બનાવે પરંતુ કેન્દ્ર સરકાર હાથમાં હાથ નાખીને બેઠી છે, માટે અમે આ મામલે તપાસ કરવા તપાસ પંચની રચના કરી છે.

બે સભ્યોની આ પેનલની અધ્યક્ષતા કોલકાતા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જયોતિર્મય ભટ્ટાચાર્ય કરશે, આ સિવાય સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન ભીમરાવ લોકુર પણ આ પેનલમાં સામેલ થશે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ, બંગાળના લોકોનું નામ પેગાસસની ટાર્ગેટ યાદીમાં મળ્યુ છે. કેન્દ્ર સરકાર બધાની જાસૂસી કરવા માંગે છે. પંચ આ ગેરકાયદેસર હેકિંગ વિશે તપાસ કરશે.

મહત્વપૂર્ણ છે કે પેગાસસ સ્પાઇવેરથી ફોન હેકિંગ કરનારી યાદીમાં ભારતીયોના પણ નામ સામેલ થવાનો રિપોર્ટ સામે આવ્યા દેશભરમાં વિવાદ થયો છે. વિપક્ષે સંસદમાં પણ આ મુદ્દાને લઇને વિવાદ કર્યો હતો. યાદીમાં કેટલાક મંત્રી, નેતાઓ અને પત્રકારોના નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(4:02 pm IST)