Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

૭૦ વર્ષના દર્દીના આંતરડામાં છ ઈંચની બ્લેક ફંગસ મળી

મ્યુકોરમાયકોસિસ વધુ ઘાતક બન્યો : કોરોનામાંથી સાજા થયેલા દર્દીના આંતરડાંમાં બ્લેક ફંગસ દેખાઈ હોય તેવો કદાચ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો

 

નાગપુર, તા.૨૬ : કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓને મ્યૂકરમાઈકોસિસને કારણે આંખ, દાંત કે જડબાં ગુમાવવા પડ્યા હોવાના અનેક કિસ્સા તાજેતરમાં સામે આવ્યા હતા. જોકે, હવે જીવલેણ ફંગસ ૭૦ વર્ષના એક દર્દીના મોટા આંતરડાંમાંથી મળતા ડૉક્ટરો ચિંતામાં મૂકાયા છે. નાગપુરના કેસમાં દર્દી એક મહિના પહેલા બ્લેક ફંગસને કારણે પોતાની ડાબી આંખ ગુમાવી ચૂક્યા હતા. ૧૯ જુલાઈએ તેમની જમણી આંખમાં પણ તેની અસર જોવા મળતાં તેમને ફરી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ગયા મહિને તેઓ અન્ય એક હોસ્પિટલમાં એડમિટ હતા. તેમની આંખ કાઢી નખાયા બાદ તેઓ સતત પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતા હતા. તે વખતે તેમની મ્યૂકરમાઈકોસિસની સારવાર પણ ચાલી રહી હતી. જેથી ડૉક્ટર્સે તેમની ખોપડી અને પેટના દુઃખાવાના નિદાન માટે સિંગલ એનેસ્થેશિયામાં તપાસ કરી હતી. જોકે, તે વખતે લેપ્રોસ્કોપીમાં તેમને પેટમાં કંઈ અજૂગતું નહોતું દેખાયું.

નાગપુરના એન્ડોસ્કોપિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. પ્રશાંત રહાતેનું માનીએ તો પેશન્ટની એકથી વધુ વાર અલગ-અલગ હોસ્પિટલમાં કોલોનોસ્કોપી કરવામાં આવી હતી. જોકે, તેમાં કશુંય નહોતું પકડાયું. જોકે, દર્દીને જ્યારે તેમની હોસ્પિટલમાં લવાયા ત્યારે તેમના પર લેપ્રોસ્કોપી કરાઈ હતી. તેમનું બ્લડ પ્રેશર લૉ હોવાથી ટ્યૂબ દ્વારા પસ કાઢી ટાંકા લેવાયા હતા. સર્જરી બાદ પણ દર્દી દુઃખાવાની ફરિયાદ કરી રહ્યા હતા અને તેમનું પેટ ફુલવા લાગ્યું હતું. બે દિવસ બાદ ફરી તેમની લેપ્રોસ્કોપી કરાઈ હતી, જેમાં તેમના મોટા આંતરડાંના ઈંચ જેટલા ભાગમાં બ્લેક ફંગસ દેખાઈ હતી. ડૉક્ટરે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ આવા કેસ ખૂબ દુર્લભ હોય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોનામાંથી સાજા થયેલા દર્દીના આંતરડાંમાં બ્લેક ફંગસ દેખાઈ હોય તેવો કદાચ પહેલો કિસ્સો છે.

(7:33 pm IST)