Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

દેશમાં વધુ એક ' ગુલાબ ' વાવાઝોડાનો ખતરો : આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં ત્રાટકશે

બંગાળની ખાડીમાં પ્રેશર બન્યું : 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાશે : ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : આગામી 5 દિવસ દરમિયાન પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી :આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વાવાઝોડાનું અનુમાન છે. ભારત હવામાન વિભાગ (IMD) એ એક બુલેટિન બહાર પાડીને કહ્યું કે 26 સપ્ટેમ્બરની સાંજ સુધી ઉત્તર આંધ્ર પ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશામાં એક વાવાઝોડું ત્રાટકવાનું અનુમાન કરાઈ રહ્યું છે. હવામાન ખાતા મુજબ બંગાળની ખાડી ઉપર એક હળવા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જેના કારણે આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. 

IMD ના અનુમાન મુજબ આ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાને પાર કરે તેવી સંભાવના છે. આ ચક્રવાતને ગુલાબ વાવાઝોડાના નામથી ઓળખવામાં આવશે. તેના પગલે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.
IMD એ ટ્વીટ કરીને પોતાની અલર્ટમાં કહ્યું કે ઉત્તર અને આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન વધીને જલદી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે આગામી 12 કલાકમાં તે તેજ બનીને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. તે 26 નવેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠાને પાર કરે તેવી શક્યતા છે. 

IMD એ જણાવ્યું કે NDRF ની 15 ટીમો પશ્ચિમ બંગાળના તટીય ક્ષેત્રોમાં 15 અને કોલકાતા માટે 4 ટીમોને પૂર, રાહત અને બચાવ કાર્યો માટે તૈનાત કરાઈ છે. 

IMD એ આ બંને રાજ્યોમાં વાવાઝોડા માટે યલ્લો અલર્ટ બહાર પાડી છે. IMD એ પોતાની ટ્વીટમાં કહ્યું છે કે ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના કાઠા વિસ્તારો માટે વાવાઝોડાની યલ્લો અલર્ટ જાહેર કરાઈ છે. 

આ અગાઉ હવામાન ખાતાએ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા વિસ્તારો માટે પણ એક વાવાઝોડાની અલર્ટ જાહેર કરી હતી. IMD એ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે પૂર્વ-મધ્ય અને તેને સંલગ્ન પૂર્વોત્તર બંગાળની ખાડી પર ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા માટે પૂર્વ-ચક્રવાત નિગરાણી થઈ રહી છે.

હવામાન વિભાગે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોલકત્તા પોલીસે યુનિફાઇડ કમાન્ડ સેન્ટર નામનો કન્ટ્રોલ રૂમ ખોલ્યો છે. આ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો અને વિભાગોને હાઈ એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. IMDના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે

(12:00 am IST)