Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અમારી બાબતોમાં માથું મારશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે;તાલિબાને આપી પાકિસ્તાનને ચેતવણી

તાલિબાનના પ્રવક્તાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સૈન્યની કઠપૂતળી ગણાવી

નવી દિલ્હી :  આતંકવાદીઓના સમર્થક પાકિસ્તાન સામે હવે તાલિબાનને જ વાંધો પડયો છે. તાલિબાનના પ્રવક્તાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સૈન્યની કઠપૂતળી ગણાવીને ઉમેર્યું હતું કે જો ઈમરાન ખાન તાલિબાનની બાબતોમાં માથું મારશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદે પણ ભૂખમરાથી લોકો પરેશાન થઈ ગયા છે. પાકિસ્તાને પ્રવેશ બંધ કરી દીધો હોવાથી મુશ્કેલી વધી છે.

પાકિસ્તાન અને ચીન તાલિબાનને શરૃઆતથી જ સમર્થન કરે છે, તેમ છતાં પાકિસ્તાન-તાલિબાન વચ્ચે શાબ્દિક હુમલા શરૂ થયા છે. ઈમરાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે કઠપૂતળી સરકારથી અફઘાનિસ્તાનમાં સ્થિરતા નહીં આવે. એ પછી તાલિબાને પણ વળતો જવાબ આપ્યો હતો. તાલિબાનના પ્રવક્તાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર સૈન્યથી ચાલે છે. ઈમરાન ખાન તો સૈન્યની કઠપૂતળી છે. જો ઈમરાન ખાન અને પાકિસ્તાની સૈન્ય તાલિબાનની આતંરિક બાબતોમાં દખલ કરશે તો તેનું પરિણામ સારું નહીં આવે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદે તમામ લોકોનો પ્રવેશ અટકાવી દીધો હોવાથી અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે. ઘણાં તો ભૂખ-તરસથી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.પાકિસ્તાન માનવતાના દાવા કરે છે, પરંતુ સરહદે પાણી સુદ્ધાં આપતું નથી. તેના કારણે ડિહાઈડ્રેશનથી બાળકો અને મહિલાઓના મોત પણ થઈ રહ્યા છે. તાલિબાનના સરહદી વિસ્તારના પ્રવક્તાએ કહ્યું હતું કે સરહદે પાકિસ્તાન અફઘાનિસ્તાનના નાગરિકો માટે મુશ્કેલી સર્જે છે.

દરમિયાન તાલિબાની નેતાઓ વચ્ચે પણ આંતરિક વિખવાદ વધ્યો છે. આંતરિક મતભેદો વધતાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાની સરકારના વાઈસ પ્રેસિડેન્ટ મુલ્લા અબ્દુલ ગની બરાદર બધા જ જાહેર કાર્યક્રમોમાંથી ગાયબ થઈ જતાં વિવિધ અટકળો શરૃ થઈ છે.

તાલિબાને અમાનવીય સ્થિતિ સર્જવાનું શરૃ કરી દીધું છે. હેરત શહેરમાં અપહરણના ચાર આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. કોઈ જ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તાલિબાનોએ ચારેય આરોપીઓને ઠાર કરીને તેની લાશને શહેરમાં અલગ અલગ સ્થળોએ ક્રેનમાં લટકાવી હતી અને પ્રદર્શન કર્યું હતું.

તાલિબાન અને આઈએસ વચ્ચે પણ અફઘાનિસ્તાનમાં સંઘર્ષ વધ્યો છે. નાંગરહાર પ્રાંતની એક તાલિબાનની કાર ઉપર બોમ્બ વિસ્ફોટ થયો હતો. એમાં એક તાલિબાનીનું મોત થયું હતું અને સાતને ઈજા પહોંચી હતી. એ હુમલાની જવાબદારી કોઈએ લીધી ન હતી, પરંતુ એ પ્રાંતમાં આઈએસ સક્રિય છે. થોડાં દિવસ પહેલાં પણ આઈએસના આતંકવાદીઓએ એક હુમલો કર્યો હતો. આ હુમલો પણ આઈએસના આતંકવાદીઓએ કર્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી.

(11:44 pm IST)