Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

યુનાઇટેડ સ્ટેટ્સમાં સિએટલ અને શિકાગો વચ્ચે દોડતી ટ્રેનને નડ્યો અકસ્માત: ઉત્તર-મધ્ય મોન્ટાનામાં ટ્રેન પાટા પરથી ઉતરી જતા 3 નાં મોત

મોન્ટાનામાં 147 મુસાફરો અને ક્રૂના 13 સભ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા

શિકાગો: અમેરિકામાં ઉત્તર-મધ્ય મોન્ટાનામાં 147 મુસાફરો અને ક્રૂના 13 સભ્યો સાથે મુસાફરી કરતી ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને ત્રણ મુસાફરો મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં કેટલાયે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તર-મધ્ય મોન્ટાનામાં શનિવારે બપોરે યુનાઇટેડ સ્ટેટ્સમાં સિએટલ અને શિકાગો વચ્ચે દોડતી એમટ્રેક કંપનીની ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.

એમટ્રેકના પ્રવક્તા જૈસન અબરામ્સે જણાવ્યુ હતુ કે અમ્પાયર બિલ્ડર ટ્રેનના પાંચ ડબ્બા જોપલિન ગામની પાસે પાટા પરથી ઉતરી પડ્યા હતા. આ ટ્રેનમાં 147 મુસાફરો અને ક્રૂના 13 સભ્યો સવાર હતા. સ્થાનીક અધિકારીઓ સાથે મળીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. બીજા મુસાફરોને સુરક્ષીત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એમટ્રેકના પ્રવક્તા જૈસન અબરામ્સે વધુમાં જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે અમ્પાયર બિલ્ડર ટ્રેનને સાંજે 4 કલાકે જોપલિન પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાસ્થળે હોલેના ઉત્તરમાં 241 કિમી અને કેનેડા બોર્ડરથી 48 કિમી દૂર છે.

ટ્રેનમાં કુલ 10 ડબ્બા હતા અને બે એન્જીન હતા. જ્યારે દુર્ઘટનાની જાણ થઇ સ્થાનીય પ્રશાસને સાથે મળીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડના પ્રવક્તાએ સમગ્ર ઘટનાની તપાસ માટે 14 સભ્યોની ટીમને ઘટનાસ્થળે રવાના કરી દીધા છે. જેઓ આ અકસ્માત શા કારણે થયો તેનો રીપોર્ટ તૈયાર કરશે.

(11:57 am IST)