Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પીએમ મોદી ઐતિહાસિક પ્રવાસ પૂરો કરીને ભારત પાછા ફર્યા : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકરો સાથે પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ પૂરો કરીને આજે ભારત પાછા ફર્યા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકરો સાથે પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ જે રીતે ભારતના વિચારને વિશ્વ પટલ પર રજુ કર્યા, તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પીએમ મોદીએ સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે.

જે પી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીના અમેરિકી પ્રવાસે સાબિત કરી દીધુ કે તમારા નેતૃત્વમાં દુનિયા ભારતને અલગ પ્રકારે જોઈ રહી છે. કરોડો ભારતીયો તરફથી અમે તમારું સ્વાગત કરીએ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પીએમ મોદીનો કોઈ આજનો સંબંધ નથી. જો બાઈડેને પણ આ વાત કરી. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની અલગ છબી દેખાઈ.

જે પી નડ્ડાએ વધુમાં કહ્યું કે પીએમ મોદી 130 કરોડ જનતા માટે દિવસ રાત લાગેલા છે. તેમણે વિશ્વ પટલ પર ભારતના વિચાર રજુ કર્યા. ક્વાડ સમિટમાં પીએમ મોદીએ દુનિયાને સંદેશો આપ્યો. તેમણે જણાવ્યું કે આપણે વિકાસ અને શાંતિ સાથે મળીને ચાલી શકીએ છીએ. યુએનમાં પીએમ મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ યુએનમાં આતંકવાદ, વિસ્તારવાદ, અને ક્લાઈમેટ ચેન્જ જેવા કપરા સવાલો પણ ઉઠાવ્યા.

  અત્રે જણાવવાનું કે પીએમ મોદી અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરીને આજે સ્વદેશ પાછા ફર્યા. તેમણે પાલમ એરપોર્ટ પર ઉતરીને સૌથી પહેલા માસ્ક પહેરી લીધુ. એરપોર્ટ પર પીએમ મોદીનું જેપી નડ્ડા, દિલ્હીના સાંસદો સહિત ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું. તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા.

 પીએમ મોદી ઐતિહાસિક પ્રવાસ પૂરો કરીને ભારત પાછા ફર્યા છે. આવામાં કાર્યકરો પણ ખુબ ઉત્સાહિત હતા. તેમના સ્વાગત માટે દેશના ખૂણે ખૂણથી કાર્યકરો ઢોલ નગારા લઈને પહોંચ્યા. સવારથી જ પીએમ મોદીના ઈન્તેજારમાં એરપોર્ટ બહાર કાર્યકરોનો જમાવડો થયો હતો. એરપોર્ટ બહાર મંચ પણ બનાવવામાં આવ્યું હતું. જો કે પીએમ મોદીએ સંબોધન કરવાની જગ્યાએ ફક્ત બધાનો આભાર માન્યો અને રવાના થઈ ગયા.

(3:11 pm IST)