Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ફેસબુક ઉપર ડો.બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરનાર આરોપીના આગોતરા જામીન મંજુર : કોઈએ પોતાના નામનું ફેક એકાઉન્ટ ખોલી લખાણ વાઇરલ કર્યું હોવાની આરોપીની દલીલ : ફેસબુક એકાઉન્ટ હાલની તકે બ્લોક કરવા અને એક મહિનામાં તપાસ કરી રિપોર્ટ આપવા સાઇબર ક્રાઇમને બોમ્બે હાઇકોર્ટની સૂચના

મુંબઈ : ફેસબુક ઉપર ડો.બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપસર અબ્દુલ રહીમ અબ્દુલ ગની ઘડીયાલી નામક નાગરિક વિરુદ્ધ એક શેડ્યુલ કાસ્ટના વ્યક્તિએ એફઆઈઆર નોંધાવી હતી. જેના અનુસંધાને તેની ધરપકડ થતી રોકવા આરોપીએ બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.

આરોપીએ જણાવ્યું હતું કે પોતે એક સામાજિક કાર્યકર છે. અને પોતાને બદનામ કરવા માટે કોઈ હિતશત્રુએ તેના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલીને ડો.બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરી છે. આથી પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઇઆરને કારણે ધરપકડ થતી અટકાવવા તેણે આગોતરા જામીન માટે અરજી કરી છે.

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટરે પણ તેની દલીલ માન્ય રાખી સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરવા મંજૂરી આપી હતી અને એક મહિનામાં રિપોર્ટ આવે ત્યાં સુધી ધરપકડ થતી અટકાવવા સંમત થયા હતા.

આથી નામદાર કોર્ટે આરોપીનું ફેસબુક એકાઉન્ટ હાલની તકે બ્લોક કરવા અને એક મહિનામાં તપાસ કરી રિપોર્ટ આપવા સાઇબર ક્રાઇમને બોમ્બે હાઇકોર્ટની સૂચના આપી હતી તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)