Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બેનામી વ્‍યવહારો ઉપર લગામઃ નક્કી થશે મર્યાદા

સરકાર બેનામી સંપત્તિઓને જપ્‍ત કરવા માટે સીમા નિર્ધારિત કરી શકે છેઃ કાનુનની થઇ રહી છે સમીક્ષા : સરકાર બજેટ સત્રમાં કાનુન સંશોધન પ્રસ્‍તાવ લાવશેઃ બેનામી સંપતિ કાનુન ૧૯૮૮માં લાગુ થયો હતો

નવી દિલ્‍હી, તા.૨૬: કેન્‍દ્ર સરકાર બેનામી સોદાઓ બાબતે એક લીમીટ નક્કી કરી શકે છે અને તેનાથી વધારેના આ પ્રકારના સોદાઓની ખબર પડે તો તેને રદ કરીને આવી સંપતિને જપ્‍ત કરી શકેશે. વર્તમાન કાયદામાં આવા સોદાઓ પર કોઇ પ્રકારની લીમીટ મુકવાની જોગવાઇ  નથી.

એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યું, ‘બેનામી સોદા કાયદા, ૨૦૧૬ની કેટલીક જોગવાઇઓની સમિક્ષા થઇ રહી છે. અને બેનામી સંપતિઓ પર નિયંત્રણ માટે કાયદાને તેને અનુરૂપ બનાવવા માટે નવેસરથી કામ થઇ શકે છે.

એક અન્‍ય અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે કેન્‍દ્રિય પ્રત્‍યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ વર્તમાન કાયદાની કેટલીક વિસંગતતાઓ દૂર કરવા માટે કેટલાક ઉપાયો દર્શાવ્‍યા છે જેથી એ સુનિશ્‍ચીત થઇ શકે કે તેને લાગુ કરતી વખતે કોઇ વિના કારણ હેરાન ના થાય. તેમણે કહ્યું કે આવા સોદાઓ ખાસ કરીને બેનામી કાયદા હેઠળ ઉંચી કિંમતના સોદા પર લીમીટ લગાડવા કેટલાક સૂચનો અપાયા છે. સંસદના બજેટ સત્રમાં આ સુધારાઓનો પ્રસ્‍તાવ આવી શકે છે.

કરની શબ્‍દાવલીમાં ૫૦ લાખ રૂપિયા અને તેનાથી વધારે કિંમતની અચળ સંપતિની ખરીદી અથવા વેચાણ ઉંચી કિંમતના સોદામાં આવે છે જો કે એક સૂત્રએ કહ્યું કે આ લીમીટ વધી શકે છે. આ ઉપરાંત સીબીડીટી આવી બેનામી સંપતિઓ જપ્‍ત કરવા માટે નવી પ્રક્રિયા લાવી શકે છે જેથી એવા માલિકોને પકડી શકાય જે બેનામી સંપતિઓનું સર્જન કરે છે અને તેને છૂપાવીને ગુમનામ બનેલા રહે છે.

આ પ્રસ્‍તાવિત પગલુ સુપ્રીમ કોર્ટના હાલમાં જ આવેલ એક ઐતિહાસીક ચૂકાદા પછી લેવાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બેનામી લેવડ દેવડ કાયદામાં ૨૦૧૬ના સુધારા પછીની તારીખથી લાગુ નહીં કરવાનો ચુકાદો આપ્‍યો હતો અને કાયદામાં આવી લેવડ દેવડને ગુનાહિત અને જેલ જેવી સખત સજાવાળી કેટલી જોગવાઇઓ પણ રદ કરી હતી.

જેના નામે સંપતિ ખરીદાઇ હોય તે તેના ખરેખર લાભાર્થી ના હોય તેવી સંપતિ બેનામી કહેવાય છે. ઓફીશ્‍યલ આંકડાઓ અનુસાર, ૩૧મે ૨૦૧૯ સુધીમાં ૯૬૦૦ કરોડથી વધારે કિંમતની બેનામી સંપતિ સાથે સંકળાયેલા ૨૧૦૦ થી વધારે કેસોમાં કારણદર્શક નોટીસો અપાઇ હતી. તેમાંથી મોટા ભાગની નોટીસો સુધારેલો નિયમ લાગુ થયા પહેલાના સોદા માટેની હતી.

(3:05 pm IST)