Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શું સચિન પાયલટ બાજી મારશે ? ગેહલોત જુથે ૩ શરતો મૂકી : હાઇકમાન્‍ડ ઝુકવા તૈયાર નથી

રાજસ્‍થાનમાં કોકડુ ગુંચવાયેલુ

જયપુર, તા.૨૬: રાજસ્‍થાન કોંગ્રેસ ફરી એકવાર તુટતી જોવા મળી રહી છે. રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતના જૂથે અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી લડતા પહેલા જ હંગામો મચાવ્‍યો છે. મુખ્‍યમંત્રીને સમર્થન આપતા ૮૦ થી વધુ ધારાસભ્‍યોએ સ્‍પીકર સીપી જોશીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. આ ધારાસભ્‍યોનું કહેવું છે કે નવા મુખ્‍યમંત્રી અંગેનો નિર્ણય ગેહલોતની ઈચ્‍છા મુજબ હોવો જોઈએ. તેમને ડર છે કે હાઈકમાન્‍ડે સચિન પાયલટને ખુરશી સોંપવાનો નિર્ણય લીધો છે, જેમણે બે વર્ષ પહેલા સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્‍થાનમાં નાટકીય ઘટનાક્રમ વચ્‍ચે, મુખ્‍યમંત્રી અશોક ગેહલોતના વફાદાર માનવામાં આવતા ધારાસભ્‍યોએ રવિવારે રાત્રે સ્‍પીકર સીપી જોશીને તેમના રાજીનામા સુપરત કર્યા. રાજ્‍ય વિધાનસભામાં મુખ્‍ય દંડક મહેશ જોશીએ રવિવારે મોડી રાત્રે કહ્યું કે ‘અમે રાજીનામું આપી દીધું છે અને હવે આગળ શું કરવું તે સ્‍પીકર નક્કી કરશે.ૅ આ પહેલા રાજ્‍યના આપત્તિ વ્‍યવસ્‍થાપન અને રાહત મંત્રી ગોવિંદ રામ મેઘવાલે મીડિયાકર્મીઓને જણાવ્‍યું હતું કે, અમે હમણાં જ અમારા રાજીનામા સબમિટ કર્યા છે. કેટલા ધારાસભ્‍યોએ રાજીનામું આપ્‍યું તે પૂછવા પર તેમણે કહ્યું, લગભગ ૧૦૦ ધારાસભ્‍યોએ રાજીનામું આપી દીધું છે.
આ સાથે મેઘવાલે કહ્યું કે કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પદની ચૂંટણી સુધી (રાજ્‍યમાં મુખ્‍યમંત્રી ગેહલોતના ઉત્તરાધિકારી વિશે) કોઈ વાત થશે નહીં. જોશીના નિવાસસ્‍થાનમાંથી બહાર આવીને કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ કહ્યું, બધું બરાબર છે. લેવામાં આવેલા નિર્ણયોમાં આ બાબતોનું ધ્‍યાન રાખવામાં આવશે. ધારાસભ્‍યો ઈચ્‍છે છે કે જેઓ કોંગ્રેસ અધ્‍યક્ષ અને હાઈકમાન્‍ડને વફાદાર રહ્યા છે તેમનું પક્ષ સંપૂર્ણ ધ્‍યાન રાખે.
ગેહલોત કેમ્‍પે હાઈકમાન્‍ડ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. તેમની વચ્‍ચે પહેલી શરત એ છે કે સચિન પાયલટને મુખ્‍યમંત્રી બનાવવામાં ન આવે. તેમણે ૨૦૨૦માં સરકાર સામે બળવો કર્યો હતો. સંકટ સમયે સરકારની સાથે રહેલા ૧૦૨ ધારાસભ્‍યોમાંથી મુખ્‍યમંત્રી બનાવવો જોઈએ. બીજી શરત એ છે કે ગેહલોત અધ્‍યક્ષ બન્‍યા પછી નવા મુખ્‍યમંત્રી નક્કી કરવામાં આવે અને તે પછી જ તેઓ રાજીનામું આપશે. ત્રીજી શરત એ છે કે અશોક ગેહલોતને પણ મુખ્‍યમંત્રી તરીકે ચાલુ રાખવાનો વિકલ્‍પ આપવામાં આવે.
હાઈકમાન્‍ડ દ્વારા જયપુર મોકલવામાં આવેલા અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે પણ ગેહલોત જૂથની શરતોથી આર્શ્‍ચયકિત છે. માકને હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સને જણાવ્‍યું હતું કે ૧૯ ઓક્‍ટોબર (કોંગ્રેસ અધ્‍યક્ષના ચૂંટણી પરિણામોનો દિવસ) પહેલા મુખ્‍યમંત્રીની જાહેરાત ન કરવાથી હિતોના સંઘર્ષની સ્‍થિતિ સર્જાઈ શકે છે. ગેહલોત કેમ્‍પની ત્રણ શરતો પર ગેહલોતે કહ્યું કે, અમે ધારાસભ્‍ય દળની બેઠક માટે આવ્‍યા હતા, જેનો નિર્ણય મુખ્‍યમંત્રીએ લીધો હતો. સમય અને દિવસ તેની પસંદગીનો હતો. આશ્‍ચર્યની વાત એ છે કે ધારાસભ્‍ય આવ્‍યા ન હતા. અમે બધા ધારાસભ્‍યો સાથે અલગ-અલગ વાત કરવા માંગતા હતા જેથી તેઓ મુક્‍તપણે વાત કરી શકે.

 

(11:00 am IST)